અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર ઉછાળો આવતા રાજ્ય સરકારે ધુળેટીની ઉજવણી માટે મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં વકરતી જતી કોરોના સ્થિતિને લઈ સરકારે આ નિર્ણય લીધો છે, જેથી આ વખતે પણ ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણી નહીં થઈ શકે.
આ સાથે જ મેટ્રો શહેરના ક્લબ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણી માટે મંજૂરી અપાશે નહિ. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ગ્રામીણ વિસ્તારમાં ધુળેટીની ઉજવણીને મંજૂરી આપે એવી શક્યતા છે. જોકે એ પણ આંશિક છૂટછાટ સાથે. એ સાથે ગલી– મહોલ્લામાં ધુળેટી ઊજવી શકાશે. જોકે હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ મળશે, તેમ સૂત્રોએ કહ્યું હતું.
વળી, આ વર્ષે કોરોનાના વધતા કેસોને લીધે અમદાવાદની ક્લબોમાં ધુળેટીની ઉજવણી નહીં કરવામાં આવે. કોરોના સંક્રમણના કારણે કર્ણાવતી અને રાજપથ ક્લબ સહિત અનેક ક્લબોએ ધુળેટીની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના સક્રિય કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી 700થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં હાલ 4006 સક્રિય કેસ છે. તો હાલ 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કુલ 4420 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.