સિદ્ધહસ્ત કટારલેખક, પત્રકાર, રાજકીય સમીક્ષક ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું નિધન

સુરતઃ ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ધહસ્ત કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું આજે બપોરે અત્રે દુઃખદ અવસાન થયું છે. એ 100 વર્ષના હતા.

‘નગીનબાપા’ તરીકે જાણીતા નગીનદાસ સંઘવીનો ‘ચિત્રલેખા’ સાથે બે દાયકાથી વધારે જૂનો સંબંધ રહ્યો છે. રાજકીય બનાવ, મહત્ત્વની ઘટનાનું પારદર્શક, ઊંડું અને તટસ્થ પૃથક્કરણ કરતી ‘ચિત્રલેખા’ મેગેઝિનમાં એમની ‘ભારતનું મહાભારત’ કટાર લોકપ્રિય બની છે.

નગીનદાસ સંઘવીની તબિયત સારી હતી, પણ અચાનક શ્વાસની તકલીફ ઊભી થઈ હતી. આજે સવારે લગભગ 8.30 વાગ્યે એમણે ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી સાથે ફોન પર ‘ચિત્રલેખા’ના આગામી અંક વિશે વાતચીત પણ કરી હતી. પોતે સાંજે પાંચ વાગ્યે ફરી ફોન કરશે એવું પણ તેમણે ઘેલાણીને કહ્યું હતું.

1920ની 10 માર્ચે ભાવનગરમાં જન્મ

નગીનદાસ સંઘવીનો જન્મ 1920ની 10 માર્ચે ભાવનગરમાં થયો હતો. આમ તે બરાબર 100 વર્ષના હતા. એમનું ભણતર ભાવનગરમાં જ થયું હતું. એ પોલિટીકલ સાયન્સ વિષયમાં નિષ્ણાત હતા. ત્યારબાદ એ મુંબઈ આવ્યા હતા અને સૌથી પહેલા કોઈક સરકારી નોકરી કરી હતી. 1951ની સાલમાં તેઓ અંધેરીમાં ભવન્સ કોલેજમાં પોલિટીકલ સાયન્સના પ્રોફેસર તરીકે જોડાયા હતા. ત્યાંથી રૂપારેલ કોલેજ અને બાદમાં મીઠીબાઈ કોલેજમાં જોડાયા હતા.

મીઠીબાઈ કોલેજમાં પોલિટીકલ સાયન્સ વિભાગના વડા તરીકે જ તેઓ નિવૃત્ત થયા હતા.

1962ની સાલથી નગીનદાસભાઈએ કટારલેખન શરૂ કર્યું હતું.

નગીનદાસ સંઘવીએ અનેક પુસ્તકો પણ લખ્યા છે. ગુજરાતના રાજકારણ વિશે એમણે પુસ્તકો લખ્યા છે તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વિશેના એમના પુસ્તકો પણ વાચકોમાં જાણીતા થયા છે.

સપ્ટેંબર, ૨૦૧૬માં ‘ચિત્રલેખા’એ નગીનદાસ સંઘવીને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ અર્પણ કર્યો હતો.

ગયા વર્ષે ‘નગીનદાસ શતાયુ સમ્માન સમારોહ’માં સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુ દ્વારા નગીનદાસનું સમ્માન કરવામાં આવ્યું હતું.