નગીનદાસ સંઘવીના નિધન પર નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ:  ગુજરાતી પત્રકારત્વમાં, કોલમ લેખનમાં, રાજકીય સમીક્ષામાં અને સામાજિક લેખોમાંના જેમનું અપૂર્વ પ્રદાન છે એવા શતાયુ લેખક-સમીક્ષક અને વિચારક આદરણીય નગીનદાસ સંઘવી હવે આપણી વચ્ચે નથી રહ્યા.  સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરનાર નગીનદાસ સંઘવી છેલ્લા કેટલાક સમયથી સુરતસ્થિત તેમના દીકરીના ઘરે રહેતા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓએ એમના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરી છે.

નગીનબાપા તરીકે જાણીતા નગીનદાસ સંઘવીનો ચિત્રલેખા સાથે બે દાયકાથી પણ વધારે નાતો રહ્યો છે. 26 જાન્યુઆરી 2020ના રોજ એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં એમને ચિત્રલેખા તરફથી વજુ કોટક સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

નગીનબાપાના નિધન બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ તેમના લેખો અને પુસ્તકોને યાદ કરતા લખ્યું કે, એમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ!!

રામકથાકાર પૂ. મોરારીબાપુએ નગીનબાપાને ભીના હ્રદયે શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, એમના નિર્વાણને મારા સલામ. હું એમને પહેલીવાર મળ્યો ક્યારે એ સાલ યાદ નથી પણ એમને જોતા જ મેં એમને બાપા શબ્દથી બોલાવ્યા હતા. ત્યારથી હું એમને નગીનબાપા કહીને જ બોલાવતો હતો. હજુ બે દિવસ પહેલા વાત થયેલી અને ગુરુપૂર્ણિમાએ વાત થયેલી તો એમણે કહ્યું કે, પ્રણામ તો મારે તમને કરવાના હોય. મારા માટે બાપાની વિદાય એક પારિવારિક વડીલની વિદાય સમાન છે.

ભીષ્મદાદાએ છ માસ બાણશય્યા રહેલા બાપા સો વરસ બાણી [ શબ્દ] શય્યા પર રહ્યા. શબ્દ શય્યા જ એમના માટે નિરંતર વિરામ હતો. હજુ આજે સવારે જ એમનો લેખ વાંચેલો અને આજે જ એમણે ત્રણ ચાર કલાકમાં વિદાય લઇ લીધી. શબ્દની પથારી પર જ એમણે વિદાય લીધી. શબ્દ જગતના પિતામહ જેવા નગીનબાપાનું જીવન તો ધન્ય હતું જ પણ દશરથના મૃત્યુ પર તુલસીએ કહેલું કે, જીવન મરણ ફળ દશરથ પાવા ..એટલે કે, જીવન અને મરણનું ફળ પામી ગયા. રામકથાના ગાયક તરીકે , મારા નીજી વિચારથી હું એમ કહું કે, નગીનબાપા જીવન મરણ બંને ફળ પ્રાપ્ત કરી ગયા. આજે કોની આંખો ભીની નહિ હોય. એમના પરિવારને મારી સંવેદના પાઠવું છું. એમની વિદાયથી કેવી ખોટ પડી એ કહેવું મુશ્કેલ છે. ફરી ભીની અંજલિ પાઠવતા બાપાને આ મોરારીબાપુના પ્રણામ , જય સીયારામ.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે, સમાજ જીવન અને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીર ક્ષિર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખની એ લાખો વાચકોના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે. તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે. એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ નગીનદાસ સંઘવીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરતા ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

નગીનદાસ સંઘવીનાં નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે શતાયુ સ્વ.નગીનદાસ સંઘવી પોલિટિકલ સાયન્સનાં પ્રાધ્યાપક તરીકે ઉત્તમ કામગીરી સાથે ઉત્તમ કોટિના લેખન સાથે જોડાયેલા હતાં. વિવિધ વિષયો પર તેમનું લખાણ અપ્રિતમ હતું.જુદાં જુદાં વિષયો રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય બાબતને સુંદર શબ્દોમાં તથ્યો આધારિત રજૂ કરવાની તેમની આગવી ઓળખ હતી. સ્વ.નગીનદાસ સંઘવી નવી પેઢીનાં પત્રકારો માટે યુનિવર્સિટી સમાન હતા. શતાયુ સ્વ. નગીનદાસ સંઘવીનાં નિધનથી દેશે એક ઉત્તમ ગજાના કટાર લેખક ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ તેમને શ્રધ્ધાસુમન અર્પે છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.

નગીનદાસ સંઘવીના નિધન પર શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરતા  જણાવ્યું કે, ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં સ્વર્ગસ્થ નગીનદાસ સંઘવીનું પ્રદાન ક્યારેય ભૂલી નહીં શકાય. આટલી વયોવૃદ્ધ ઉંમરે પણ તેઓ સતત જીવનની અંતિમ ક્ષણ સુધી લખતા જ રહ્યા તે કોઈ સામાન્ય વાત નથી. રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા નગીનદાસ સંઘવી પત્રકારત્વ ક્ષેત્રે તેમની યશસ્વી સેવાઓ માટે હંમેશા ચિરસ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના અવસાન બદલ તેમના પરિવારજનો પર આવી પડેલી આપત્તિને સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થના પણ એમણે વ્યક્ત કરી છે.