કાયદાનું ભાન કરાવા પોલીસ એક્શન મોડમાં, મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશી દારૂના ઠેકાણાં અને નબીરાઓનો આતંક અટકતો નથી. તેવા સંજોગોમાં અમદાવાદ પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે. બુધવારે (19 માર્ચ) અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ગેરકાયદે બાંધકામને AMC દ્વારા બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યું.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં લિલાબેન ચૂનારા નામની લિસ્ટેડ બુટલેગર પર એકશન લેવામાં આવ્યો છે. AMCની દબાણ શાખા અને પોલીસની સંયુક્ત ટીમે વહેલી સવારે કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, અને આગામી દિવસોમાં અન્ય બુટલેગરો વિરુદ્ધ પણ અભિયાન શરૂ થવાની શક્યતા છે.

અમદાવાદ પોલીસ હવે શહેરમાંથી અસામાજિક તત્વોને દૂર કરવા માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભય ફેલાવનારા, લુખ્ખાગીરી કરનારા કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ વિશે માહિતી આપવા માટે 63596 25365 પર વોટ્સએપ દ્વારા જાણ કરી શકાય છે. આ પગલાં દારૂબંધીને વધુ મજબૂત બનાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.