અસામાજિક તત્ત્વો સામે પોલીસની કાર્યવાહી, સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પડાયા

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટના અને વધતા અસામાજિક તત્વોના આતંકને ડામવા માટે ગુજરાત પોલીસે આકરુ વલણ અપનાવ્યું છે. વસ્ત્રાલ વિસ્તારની ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ રાજ્યની પોલીસે જાણે ઊંઘમાંથી જાગી હોય તેવું લાગી રહ્યું છે. ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે મોટું ગુજરાત પોલીસ અભિયાન શરૂ કર્યું છે. ડીજીપીના આદેશ પછી ગુનેગારોના ગેરકાયદે બાંધકામો અને દબાણોને દૂર કરવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે (20 માર્ચ, 2025) સરખેજમાં એક લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અવારનવાર દેશી દારૂના અડ્ડાઓ અને દારૂના નશામાં હોબાળો મચાવતા તત્ત્વો સામે આવતા રહે છે. આવા ગુનાઓને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકતોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીના આધારે બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આજે સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું. નોંધપાત્ર છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત કુલ 23 ગુનાઓ નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સરખેજ ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ પાંચ બુટલેગરો સામે સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડાના સીધા આદેશ બાદ 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનાઓ કરનાર, 958 મિલકત સંબંધિત ગુનાઓ કરનાર, 516 જુગારીઓ અને 545 અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો પર નજર રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજળીના જોડાણો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે.