ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ કોરોનાની રસીનો પહેલો ડોઝ ગુરુવારે લીધો હતો. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સાથે તેમણે અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી માર્ચે કોરોનાની રસી લીધી હતી. તેમણે દિલ્હીની AIIMSમાં કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
પીએમ મોદીએ આજે ટ્વિટ કરીને જાણ કરી છે કે મને જણાવતા આનંદ થાય છે કે મારી માતાએ આજે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે તમારી આસપાસના રસી લેવા લાયક લોકોને રસી લેવા માટે મદદ અને પ્રેરણા આપો.
દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુની વયના અને અન્ય બીમારીઓથી પીડિત 45 વર્ષ કે તેનાથી વધુની ઉંમરના લોકો રસી લઈ શકશે. સરકારી અને ખાનગી એમ બંને હોસ્પિટલોમાં પણ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ રસી લેતાં વધારે નાગરિકોમાં સંદેશ ગયો છે કે કોરોના રસી સંપૂર્ણ સ્વસ્થ છે. ભારતમાં નિર્મિત કોરોના રસીની દેશ-વિદેશમાં ખૂબ જ માગ છે. ભારત દ્વારા રસીનું મોટા પાયે નિકાસ પણ કરવામાં આવી રહ્યો છે.
Happy to share that my mother has taken the first dose of the COVID-19 vaccine today. I urge everyone to help and motivate people around you who are eligible to take the vaccine.
— Narendra Modi (@narendramodi) March 11, 2021
દેશમાં કોરોનાની રસીકરણની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં 2.52 કરોડ કરતાં વધુ લોકો સુધી કોરોના વાઇરસની રસી પહોંચાડવામાં આવી છે.