ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રનાં જળાશયો અડધાં ખાલી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય એવા પોકળ દાવા વચ્ચે અડધોઅડધ સૌરાષ્ટ્ર પાણી માટે વલખાં મારી રહ્યું છે. ઉનાળો જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ પાણીની સમસ્યા વિકટ બનવાની સંભાવના છે. સિંચાઈ આધારિત ડેમોમાંથી ચારેક મહિનાથી પાણી છોડાતાં હવે ડેમોમાં 30થી 35 ટકા જ પાણી બચ્યું છે, જે જળ સંકટ ઘેરું બનવાના એંધાણ છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારું ચોમાસું ગયું હોવા છતાં જળાશયોમાં ઉનાળાના આરંભે ધારણા કરતાં વહેલો પાણીનો જથ્થો તળિયે ઊતરી ગયો છે. સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 35થી પ0 ટકા સુધી ખાલી થઈ ગયા છે.

સૌથી વધુ કપરી સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જળાશયોમાં કુલ સંગ્રહશકિતના માત્ર ર૯ ટકા, પોરબંદર જિલ્લામાં ૩પ ટકા,  સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૧.૮૮ , જામનગર જિલ્લામાં ૪પ ટકા , રાજકોટ જિલ્લામાં પર.૧૭ ટકા, મોરબી પ૪.૪૩ ટકા , જૂનાગઢ ૪પ.૯૬ ટકા ગીર સોમનાથ ૮૦.૩૩, અમરેલી  ૭૦.પ૭ ટકા , બોટાદ ૬ર.૮૮ અને ભાવનગર જિલ્લાના જળાશયોમાં ૬૪.૬પ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. 

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ મહેર કરતાં મોટા ભાગના ડેમોમાં 95 ટકા કરતાં વધુ ભરાઈ ગયા હતા. રાજકોટ, જૂનાગઢ અને જામનગરનાં અનેક જળાશયો એક કરતાં વધુ વખત ઓવરફલો થયા હતા. સારા વરસાદથી આ વર્ષે ઉનાળુ પાક અને લોકોને પીવાની પાણીની તંગી નહિ રહે તેવી ધારણા રાખવામાં આવી હતી, પરંતુ ઉનાળાના આરંભે જળાશયોમાં પાણીનું ચિત્ર ચિંતા ઊપજાવે તેવું છે. સિંચાઈ આધારિત ડેમોમાં તો માત્ર 30 થી 3પ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. સિંચાઈ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા કુલ સંગ્રહશક્તિના માત્ર પપ ટકા જ પાણીનો જથ્થો હાલ છે, જે ગત વર્ષ કરતા ઓછો છે. હજુ આકરા ઉનાળાના ત્રણ મહિના કાઢવાનાં બાકી છે.