અમરેલીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અમરેલીમાં રેલી કરી હતી.
વડાપ્રધાન મોદીએ અમરેલીની જનતાને કેમ છો કહીને પોતાના સંબોધનની શરુઆત કરી હતી. વડાપ્રધાને જનતાને પુછ્યું કે, શું બધા હનુમાન જ્યંતિની તૈયારીમાં છો. મેં રસ્તામાં જોયું બોર્ડ અને કેમ્પ લાગી ગયા છે. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેજ પર રહેલા તમામ નેતાઓનું અભિવાદન કર્યું હતું.
મોદીએ કહ્યું , સૌરાષ્ટ્રની ધરતી સંત બજગંરદાસ બાપુ અને બાપાસીતારામની પાવન ધરતી પર તમારા બઘાના આર્શીવાદ લેવા આવ્યો છું. આજે હું જીવરાજભાઇ મહેતાની ધરતી પર આવ્યો છું. અમરેલી આવતા જ ભોજલરામ બાપા યાદ આવે છે. પાલનપુર અને અમરેલીના કવિઓ વિશે વાત કરતા જણાવ્યું કે, એકને ભૂલીએ અને એક યાદ આવે તેવી આ ધરતીને નમન કરું છું. મોદીએ કવિ કલાપીની ધરતીને નમન કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ અમરેલીની સભામાં પરેશ ધાનાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે, અહીંયા તમારા ભાઈએ સરદાર સાહેબનું અપમાન કરવામાં કહી બાકી નથી રાખ્યું. સરદાર સાહેબના સ્ટેચ્યુને ભંગાર કહ્યા. તેઓને શરમ નથી આવતુ આવુ બોલતા? આવા નેતાઓનું જો મોઢુ જોઈ લો તો દિવસ આખો બગડે.
તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે એટલે અમે નક્કી કર્યું છે કે, 5 એકરનો નિયમ હટાવી દઈશું, અને બધા ખેડૂતોને લાભ આપવામાં આવશે. ગુજરાતે મને પાણીદાર બનાવ્યો છે. તેથી નવી સરકારમાં પાણી માટે જળશક્તિ મંત્રાલય બનાવવાનુ નક્કી કર્યું છે.
જેટલુ દુઃખ સરદાર સાહેબને તે સમયે નહિ થયું હોય, તેટલું આ વખતનો કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચીને થશે. સેનાને કાશ્મીરમાંથી હટાવી લેવાય તો અમરનાથના શ્રદ્ધાળુઓનું શું થાય. શ્રીનગરના ટુરિસ્ટને આતંકવાદ ટકવા દે? વૈષ્ણોદેવના શ્રદ્ધાળુઓને ટકવા દે? માર્ત્ર વોટબેંકના રાજકારણ માટે આ પાપ કરવાનું છે. જો સેનાનું રક્ષા કવચ કાઢી નાખો તો કોઈ સેના લડવા તૈયાર થાય. બાબા સાહેબ જેવા મહાપુરુષ સંવિધાનમાં જે કાયદો બનાવી ગયા, તેમાનો એક રાજદ્રોહનો કાયદો કાઢી નાખવાનુ કોંગ્રેસે કહ્યું છે. સરદારે જે દેશને એક કર્યો, તેના કોઈ કાળે ટુકડા થવા દેવાય? કોંગ્રેસની પાર્ટીના ભરોસે આ દેશમાં કંઈ નથી. 2014માં કોંગ્રેસને ઓછામાં ઓછી બેઠક મળી. 2019માં પણ તે ઓછામાં ઓછી બેઠક પર લડી રહી છે. ગુજરાતના ચાવાળાની આ તાકાત છે, તેઓ પાર્લામેન્ટમાં એક ખૂણામાં આવી ગયા. જે આંગળીના વેઢે ગણાય તેટલી સીટ પર લડતા હોય તે સરકાર બનાવવાની વાત કરે, તે કોઈના ગળે ઉતરે ખરી.
કોંગ્રેસને સમાજમાં વિખવાદ કરીને મલાઇ ખાવાની મજા આવે છે. કાશ્મીરની સમસ્યા કોંગ્રેસને વારસામાં મળી છે. મોદીએ ઉરીની વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન પીઠ પાછળ ઘા કરી ગયું. મુંબઇમાં 26/11નો હુમલો થયો અઠવાડિયા સુધી ગાળીઓચાલતી હતી. કોંગ્રેસે તે વખતે કંઇ કર્યું છે કે, નહીં, તમને ગુસ્સો આવતો હતો કે નહીં, પરંતુ મેં એરસ્ટ્રાઇક કરી. કરી કે ના કરી.. તેમને ઘરમાં જઇને પાડી દીધાને?
પુલવામાં હુમલાની વાત કરતા કહ્યું કે, 40 જવાનો મર્યા બાદ કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. તેઓ કહેતા હતા કે, મોદી પતિ ગયો હવે. તેઓ મને પતાવવા મીટિંગો કરવા લાગ્યો પરંતુ હું ડગ્યો નહીં સામે છાતીએ હુમલો કર્યો હતો. મેં મનમાં નક્કી કર્યું અને સૈનાને ખુલ્લી છૂટ આપી દીધી અને પાકિસ્તાનને એમ કે આતો ગુજરાતનો માણસ છે છોડી દેશે, પરંતુ પાકિસ્તાની ગણતરી ઉંધી પડી ગઇ. આજે પાકિસ્તાન દુનિયા સામે રડતું થઇ ગયું. આજે મોદીએ તેમના ગરીબી અને ભીખ માંગવાના દિવસો લાવી દીધા છે.
વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસને તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે. સમાજમાં વિખવાદ થાય અને ભાઈ-ભાઈ સામે ઉભો રહે અને વચ્ચે પોતે મલાઈ ખાય તે કોંગ્રેસની નીતિ રહી છે. કાશ્મીરની મુસીબત મોદીને કારણે પેદા થઈ નથી. અમને આ તકલીફ વારસામાં મળી છે. હાલ પંચાયતના ઈલેક્શનમાં જમ્મુમાં હિંસાનો બનાવ ન થયો, પણ બંગાળના પંચાયતના મતદાનમાં ભડકો થયો.
આજીજી છતા કોંગ્રેસે સરદાર સરોવર યોજના પુરી ન કરી
પાણી વગર સૌરાષ્ટ્ર ટળવળતુ હતું. અમે કોંગ્રેસને આજીજી કરતા હતા કે, સરદાર સરોવર યોજના પૂરી કરો. 40 વર્ષ પહેલા જો આ યોજના પૂરી કરી હોત તો ગુજરાતી પરિસ્થિતિ આજે કંઈ અલગ હોત. કોંગ્રેસના રાજકારણે સરદાર સરોવર ડેમને રોકવાનું કામ કર્યું છે. જેણે ગુજરાતને તરસ્યુ રાખ્યું, તેને ક્યારેય માફ ન કરાય. બે જ અઠવાડિયામાં દિલ્હીથી મેં ડેમની ઊંચાઈ વધારી અને આજે પાણી સૌરાષ્ટ્રમાં પહોંચ્યું. શું આ માટે અમરેલીથી કોઈ ડેલિગેશન આવ્યું હતું, કોઈને ઉપવાસ પર ઉતરવુ પડ્યું હતું, કે અમરેલીમાં કોઈને બસો બાળવી પડી હતી. આ કામ થયું એટલા માટે કે, આ તમારો પોતાનો જણ હતો, જેને તમારી પીડાની ખબર હતી.