PM મોદીનો અંબાજીમાં રોડ-શોઃ લોકોએ ભાવભીનું સ્વાગત કર્યું

અંબાજીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત ભાવનગર, અમદાવાદ પછી અંબાજી પહોંચ્યા છે. અહીં તેઓ કરોડો રૂપિયાનાં વિકાસ-કાર્યોની ભેટ આપશે. અંબાજીમાં વડા પ્રધાનનો રોડ-શો યોજાયો છે, જેમાં માનવ મહેરામણ ઊમટ્યો છે. તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમના કાફલા પર ફૂલોની વર્ષા થઈ હતી. તેમના રોડ-શોમાં મોદી-મોદીના સૂત્રોચ્ચાર થયા હતા. તેઓ અહીં એક જનસભાને પણ સંબોધવાના છે. તેમના માટે મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબા માતાના દર્શન પછી તેઓ ગબ્બર આરતીમાં ભાગ લેશે.

વડા પ્રધાન બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેનાં કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દાંતામાં ફુલ વરસાવી PM મોદીના કાફલાનું સ્વાગત કર્યું છે. રસ્તાની બંન્ને તરફ લોકોની ભીડ ઊમટી પડી છે. ત્યાર બાદ તેઓ ગૌમાતા ગૌવંશના નિભાવવા માટેની મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. આ સાથે વડા પ્રધાને હસ્તે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનનું ભૂમિપૂજન થશે.

ત્યાર બાદ તેઓ ડીસા એરફોર્સ સ્ટેશનમાં રૂ. 1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે, તેઓ રૂ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું પણ લોકાર્પણ કરશે. અંબાજીમાં ભક્તોની સુવિધા માટે વડા પ્રધાન રૂ. 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યોનું ભૂમિપૂજન કરશે.

વડા પ્રધાન એ પછી અંબાજીમાં જાહેર સભા સંબોધન કરશે અને એ પછી તેઓ અંબાજી મંદિરે દર્શન કરીને ગબ્બરમાં મહાઆરતી કરી અંબાજીની યાત્રા પૂર્ણ કરશે.