PM મોદી રાજ્યમાં આયુષ્માન કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે

અમદાવાદઃ દેશમાં દરેક વ્યક્તિને રૂ. પાંચ લાખ સુધીના આરોગ્યનું સુરક્ષા કવચ આપવાના ઉદ્દેશ સાથે પરિવારના કદ અને વયમર્યાદા વગરે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ સારસંભાળ લેતી હોસ્પિટલોમાં દાખલ થવા માટે વડા પ્રધાન મોદી રાજ્યમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડના વિતરણનો પ્રારંભ કરાવશે.

ગાંધીનગરમાં આજે યોજાનારા રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યના PMJAY-MA કાર્ડના ૫૦ લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં ૧.૫૮ કરોડ લાભાર્થીને PMJAY-MA કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા ,. જેમાંથી છેલ્લા એક વર્ષમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર, ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યાં છે. આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવશે.

રાજ્યમાં લાભાર્થીને આ કાર્ડના વિતરણ માટે આયોજિત થનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી જોડાશે. વડા પ્રધાન PMJAY-MA કાર્ડના લાભાર્થી સાથે સંવાદ કરશે. વડા પ્રધાન મોદી દ્વારા જાહેર કરાયેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં મુખ્ય મંત્રી અમૃતમ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજનાને સંકલિત કરી હતી અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની ગાઇડલાઇન મુજબ PMJAY-MA (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના–મા અમૃતમ)ના લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 50 લાખ પીવીસી કાર્ડ્સ છાપવામાં આવ્યાં છે. આ કાર્ડને ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસરોને ડિલિવર પણ કરી દેવામાં આવ્યાં છે. એક રાજ્ય સ્તરે અને બીજો પ્રત્યેક તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે, આમ, રાજ્યમાં કાર્ડ્સના વિતરણ માટે 260 કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.

રાજ્યના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે 50 લાખ રંગીન આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે. NHA એમ્પેનલ્ડ એજન્સીઓ દ્વારા BIS મોડ્યુલ દ્વારા લાભાર્થીઓનું ઈ-KYC કર્યા પછી આ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી PMJAY-MA કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા ત્રણ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે. જ્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે નવા ત્રણ લાભાર્થીઓને કાર્યક્રમમાં સ્ટેજ પર બોલાવીને આયુષ્માન પીવીસી કાર્ડ્સ આપવામાં આવશે.