PM મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સવારે વડોદરામાં યોજાયેલા રોડ શો અને કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમરેલીના લાઠીના દુધાળામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં 35 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. દુધાળાના કાર્યક્રમ બાદ પીએમ મોદી લાઠીમાં આયોજીત જાહેરસભાને સંબોધશે. કાર્યક્રમના સ્થળ પરથી જ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના રૂ. 4800 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
અમરેલીના કાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના રૂ. 4800 કરોડના 1600 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમ્યાન PM મોદી મોટી સંખ્યામાં જનમેદીને સંબોધન પણ કર્યુ હતું. તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે, એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી તરફ વિકાસનો ઉત્સવ છે. આ બધા પ્રોજેક્ટ વિકાસની ગતિ આપનારા પ્રોજેક્ટ છે. અમરેલી એ ભૂમિ છે જેને યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. 18-20 વર્ષના યુવકોને ખબર પણ નહીં હોય કે પહેલાના લોકો પાણી વગર કેવી રીતે તરસતા હતા. તેઓને ભૂતકાળની સમસ્યાની ખબર નહીં હોય. આઝાદીના 75 વર્ષ થયા ત્યારે સરકાર જાતજાતના કાર્યક્રમો કરી શકી હોત. પણ, અમે ગામડે ગામડે અમૃત સરોવર બનાવવાની યોજના બનાવી. જાફરાબાદના બાજરાના તો હું દિલ્હીમાં વખાણ કરતો હોવ છું. હીરાભાઈ મને બાજરો મોકલતા હોય છે. ગુજરાતમાં 2 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ગઈ છે. વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે. દુધાળા ગામ એ અમરેલીનું પ્રથમ સોલાર વિલેજ બની રહ્યું છે એના માટે ગોવિંદભાઈને અભિનંદન. ગુજરાતનો સમુદ્ર તટ ગુજરાતની જ નહીં દેશની સમૃદ્ધિનું દ્વાર બને એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.