દાહોદ, પંચમહાલમાં મોદીના હસ્તે વિકાસયોજનાઓનું લોકાર્પણ, ખાતમુહૂર્ત

દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદ અને પંચમહાલ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો માટે કુલ રૂ. 22,000 કરોડની કિંમતની વિકાસ યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે. જે યોજનાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાંની એક યોજના પીવાના પાણીને લગતી છે જ્યારે બીજી દાહોદને સ્માર્ટ સિટી બનાવવાને લગતી છે. આ પ્રસંગોએ વડા પ્રધાન મોદી સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ વર્કશોપ મોદીએ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, ઈલેક્ટ્રિક લોકોમોટિવની વિદેશોમાં પણ માગ વધી રહી છે. ભારત હવે દુનિયાના એવા ચુનંદા દેશોમાં ગણાય છે જ્યાં 9,000 હોર્સ પાવરના શક્તિશાળી લોકોમોટિવ બનાવવામાં આવે છે. દાહોદ જિલ્લો હવે મેક ઈન ઈન્ડિયાનું મોટું કેન્દ્ર બનવાનો છે. દાહોદમાં રૂ. 20,000 કરોડના ખર્ચે લોકોમોટિવ કારખાનું નાખવામાં આવનાર છે. વડા પ્રધાન બન્યા બાદ એ મારું સપનું હતું. આ નવું કારખાનું હજારો યુવા વ્યક્તિઓને રોજગાર પૂરો પાડશે અને વિસ્તારમાં નવા કારખાનાઓ માટેનો વ્યાપ વધારશે. જાણે કે એક નવા દાહોદની સ્થાપના થશે.

ભારતીય રેલવેનું દાહોદ વર્કશોપ કારખાનું ભારત સરકારે હાથ ધરેલી મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડ પહેલ અંતર્ગત હાઈ હોર્સપાવરના 9,000 એચ.પી. ઈલેક્ટ્રિક લોકોમોટિવ્સનું ઉત્પાદન કરશે. આ કારખાનામાં એવા 1,200 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરાશે. એવું પહેલું લોકોમોટિવ 2,024ના આરંભમાં તૈયાર થઈ જશે. આ એન્જિનો દેશમાં ગૂડ્સ ટ્રેનો દ્વારા માલની હેરફેરની કામગીરીઓમાં ક્રાંતિ લાવી દેશે. માલગાડીઓની સરેરાશ સ્પીડ અને માલ ભરવાની ક્ષમતા વધી જશે. મુંબઈ-દિલ્હી રેલવે રૂટ પર દાહોદ મહત્ત્વનું સ્ટેશન છે. આ વર્કશોપ (કારખાનું) શરૂ થવાથી વિસ્તારના 3,500 પ્રત્યક્ષ અને 7,000 પરોક્ષ રોજગારનું સર્જન કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]