નડિયાદમાં સરદાર પટેલનું કાયમી પ્રદર્શન ખુલ્લું મુકાયું

નડિયાદઃ “સરદારનું પ્રદર્શન દર્શન માટે છે એમની છબીઓ જોવા માટે નહીં, પરંતુ પ્રેરણા લેવાનો રસ્તો છે. એમના વિચારોની તાકાત અને એકતાની ભાવનાને આગળ વધારવાની આપણાં સહુની ફરજ છે.” આ શબ્દો આજે પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલે નડિયાદમાં સરદાર સાહેબની શાળામાં સરદાર પટેલના જીવન કાર્યને રજૂ કરતાં કાયમી પ્રદર્શનને ખુલ્લું મૂકતાં કહ્યા હતા.

દોઢસો વર્ષ જૂની નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ હાઇસ્કૂલમાં સરદાર સાહેબએ S.S.C  ની ડિગ્રી મેળવી હતી. આ શાળામાં સરદારનું ઓરિજીનલ રજીસ્ટર (જી.આર) અને બેંચીસ (પાટલી) અસલ સ્વરૂપે જળવાઈ છે. એ ઉપરાંત સરદાર સાહેબના જીવન કાર્યને રજૂ કરતી દુર્લભ તસ્વીરોનું કાયમી પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે લંડન સ્થિત દાતા ઠાકોરભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી વિણાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે લાખો રૂપિયાની આર્થિક સહાયથી આ કાયમી પ્રદર્શનના નિર્માણમાં પાયાનો ફાળો આપ્યો છે. તેમનાં ટ્રસ્ટના ટ્રસ્ટી એડવોકેટ જૈમિનભાઈ મેહતાએ સરદાર સાહેબના “એક ભારત શ્રેસ્ઠ ભારત”ના જીવનકાર્યને યાદ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ સંબોધન કર્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.નિરંજનભાઈ પટેલે એસ.પી. યુનિવર્સિટી તરફથી સરદારની આ શાળાને દત્તક લેવાની જાહેરાત કરી હતી. જ્યારે દિનશા પટેલે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સરદાર સ્મારક તરફથી એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે સરદાર સાહિત્યના અભ્યાસુ, જાણીતા કૉલમ લેખક અને “ગ્રામ ગર્જના” પત્રના તંત્રી મણિલાલ પટેલે સરદાર સાહેબના જીવન કાર્યને રજૂ કરતું અભ્યાસ પૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યુ કે આજનું પ્રદર્શન એ પ્રેરણાનું સ્થાન છે. તેમણે સરદારે કરાંચીના અધિવેશનમાં નાતજાતના બંધનમાંથી મુક્ત થવાની કહેલી વાત અને કરમસદના અધિવેશનમાં કહેલી આખા દેશના પુત્ર તરીકેની વાત યાદ કરી હતી. સરદાર પટેલ યુનિવર્સિટી ચરોતરની અમુલ ડેરી,સોમનાથનું મંદિર….. આ બધા સરદારના સાચા સ્મારકો છે.

સંસ્થાના ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ સાક્ષર કુલિનચંદ્ર યાજ્ઞિકે અધ્યક્ષ પદેથી શાળા અને ટ્રસ્ટના ઐતિહાસિક વારસાને યાદ કરીને જણાવ્યુ હતું કે સરદાર સાહેબનું નામ આખા વિશ્વમાં તેમના જીવનકાર્યને કારણે જાણીતું છે. તેઓ સાચા રાજપુરુષની સાથેસાથે સાચા સમાજ પુરુષ પણ હતા.