‘ગુડ ફ્રાઇડે’ નિમિત્તે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી

અમદાવાદઃ ખ્રિસ્તી ધર્મમાં ‘ગુડ ફ્રાઇડે’નું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે ઇસાઈ ધર્મપ્રવર્તક પ્રભુ ઇસુ મસીહાએ માનવ કલ્યાણ માટે વધસ્તંભ પર લટકી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમને વધસ્તંભ પર લટકાવી યાતનાઓ આપી હતી. જેનાં દ્રશ્યો અમદાવાદની સેંટ ઝેવિયર્સ શાળામાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જમાલપુર રાયખડમાં આવેલી ચર્ચ પાસેથી ગુડ ફ્રાઇડે નિમિત્તે એક રેલી નીકળી હતી. શહેરના તમામ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી. 

આજના દિવસને ઇસાઈ અનુયાયી શોક દિવસ તરીકે મનાવે છે. આ દિવસે ઇસાઈ ધર્મને માનતા લોકો ચર્ચમાં જઈ પ્રભુને યાદ કરે છે. આજના દિવસે ઇશુ પ્રભુને ક્રોસ પર લટકાવાયા હતા.

ઇસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસોમાં પૂજા-સ્થળ ખાલી રહે છે. આ દિવસોમાં  પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે.

માનવામાં આવે છે કે ઈસુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ‘ગુડ ફ્રાઇડ’ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારએ ઇસુ મસીહા ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.

ઇસાઈ ધર્મ અનુસાર ઈસુ મસીહા પરમેશ્વરના પુત્ર હતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો, કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગ્રત કરી રહ્યા હતા. એ  સમયે કટ્ટરપંથીઓ  એમનો વિરોધ કરી રહ્યા હતા. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નરને ઇસુની ફરિયાદ કરી હતી. કટ્ટરપંથીઓને ભય હતો અને તેમણે તેમના વિરુદ્ધ આરોપ ઘડી નાખ્યો.. ઇસુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો.

જોકે પ્રભુ  ઇશુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી કે ઇશ્વર તેમને ક્ષમા કરે, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)