કચ્છ: જમ્મુ-કશ્મીરમાંથી 370ની કલમનું સ્પેશિયલ સ્ટેટસ હટાવી દેવા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ત્યારે આ કાર્યવાહીથી છટપટાઈ ગયેલ પાકિસ્તાન વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી ચૂક્યું છે. આ સંજોગોમાં ગુજરાતની કચ્છ સરહદ ઉપર પાકિસ્તાન મરીનની ગતિવિધિ તેજ બનેલી જોવાઈ રહી છે. ત્યારે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે જેવી આ બાબતની જાહેરાત ભારતીય સંસદમાં કરી તે સાથે જ અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. વધેલી આ હલચલને સુરક્ષા ક્ષેત્રના જાણકારો અતી સુચક ગણાવી રહ્યા છે.સોમવારે સવારથી જ કચ્છની સામેપાર પાક મરીન સિક્યુરિટી સહિત અન્ય સ્થાનિક સુરક્ષા એજન્સીઓના વાહનોની અવરજવર સાથે મરીન કમાન્ડોની તૈનાતીનો ધમધમાટ જોવા મળ્યો હોવાનું વિગતો પ્રાપ્ત થઈ છે. રવિવારે પણ પાકિસ્તાનમાં તમામ સુરક્ષા એજન્સીઓની આપાતકાલિન બેઠક બોલાવાઇ હતી. જેમાં પણ સુરક્ષા બાબતે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
બીજીતરફ 370ની કલમ હટતાંની સાથે જ તકેદારીના ભાગરૂપ ઉપરાંત આગામી સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને પણ કચ્છની રણ અને દરિયાઇ સરહદે કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દેવાયો છે. પાકિસ્તાનમાં થઇ રહેલી હલચલ પર ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાજનજર રાખી અટપટ્ટા નાલાઓમાં પેટ્રોલિંગ બોટ સહિતના માધ્યમથી રાઉન્ડ ધી પેટ્રોલિંગને વધુ સઘન બનાવી દેવાયું છે.
એરસ્ટ્રાઇકની ઘટના પછી પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર પોતાની મરીન સિક્યુરિટીના જવાનોની તહેનાતી કરી દીધી હતી. થોડા સમય પહેલાંજ અહીથી મરીન કમાન્ડોને હટાવી અન્ય ફોર્સના જવાનોની તહેનાતી કરાઇ હતી. ત્યારે ભારત સરકારના કશ્મીર અંગેના નિર્ણય બાદ ફરી મરીન બટાલિયનને ખડકી દેવાઇ છે.