નર્મદા ડેમની સપાટીમાં ઐતિહાસિક વધારો, જો દરવાજા ન હોત તો…

નર્મદા : ઊનાળાના દિવસોમાં રાજ્યની જીવાદોરી બનતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદ હોવાને કારણે પાણીની આવક વધી રહી નર્મદાની સપાટીમાં વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં આજે ઐતિહાસિક વધારો નોંધાયો છે.

હાલ નર્મદા ડેમની સપાટી 127.30 મીટરે પહોંચી છે. ગઇકાલે આ સપાટી 126.12 મીટરે પહોંચી હતી. જો ડેમના દરવાજા ન હોત તો હાલ ડેમ 5 મીટરથી ઓવરફ્લો થતો હોત. પાણીની આવક વધવાને કારણે CHPHનું 1 ટર્બાઇન ચાલુ કરાયું છે.

ઉપરવાસમાંથી 117568 ક્યુસેક પાણીની આવક થતાં કેનલમાં ગુજરાત માટે 4900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2150 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. 24 કલાકમાં નર્મદા ડેમમાં 1.18 મીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. હાલ સપાટી 127.30 મીટરે પહોંચી છે.

નોંધનીય છે કે આ વર્ષે મધ્યપ્રદેશમાં થયેલા શ્રીકાર વરસાદના પગલે રાજ્યના મુખ્ય બંને ડેમમાંથી સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજકારણની વચ્ચે પણ સરદાર સરોવરમાં પાણીની આવક વધતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.