અમદાવાદ– ફિલ્મ પદ્માવત રીલીઝની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેનો વિરોધ કરતાં કરણી સેના સહિતના ક્ષત્રિય સંગઠનોના કાર્યકરો દ્વારા વિરોધ પણ બુલંદ બની રહ્યો છે. ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત, મોરબી અને સૂરતમાં ઉગ્ર વિરોધના દ્રશ્ય જોવા મળી રહ્યાં છે. ત્યારે 25 તારીખે રજૂ થનાર પદ્માવત ફિલ્મ અમદાવાદના 10 થિયેટર્સમાં રીલીઝ કરાનાર હોવાના સમાચાર મળ્યાં છે.અમદાવાદ શહેરમાં 25 તારીખે પદ્માવત ફિલ્મ આલ્ફા વન, સિનેપોલિસ, કેસરા, પીવીઆર, ડ્રાઇવ ઇન, દેવાર્ક મોલ, સિનેમેક્સ, ગુલમહોર પાર્ક, મુક્તા, સિટી ગોલ્ડ થિયેટરમાં રીલીઝ કરવામાં આવશે. આ સમયે અનિચ્છનીય ઘર્ષણ ટાળવા એસઆરપીની 10 કંપનીઓ તહેનાત રહેશે. સાથે પોલિસની ટુકડીઓ પણ તહેનાત રહેશે.
ફિલ્મ રીલીઝને લઇને બબાલના કારણે આજે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ પોલિસ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી અને જરુરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.
તો બીજીતરફ ઉત્તર ગુજરાત જતી-આવતી 600થી વધુ એસટી બસો આજે પણ બંધ રાખવામાં આવી છે.એસ ટી બંધ રહેતાં હજારો મુસાફરોને પરેશાની ભોગવવી પડી રહી છે.શનિવારે ચીલોડા અને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, જિલ્લામાં બસો સળગાવવાના, તોડફોડના લગભગ 10 બનાવને લઇને એસટી દ્વારા બસો નહીં ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. એસ ટી બસો બંધ રહેતાં ખાનગી વાહનચાલકો દ્વારા મુસાફરોની મજબૂરીનો ગેરાભ ઉઠાવતાં બેફામ ભાડાં વસૂલવામાં આવી રહ્યાં છે.
એસટી તંત્રને પણ બસ બંધ રાખવાના કાણે 60 લાખથી વધુની આવક ગુમાવવી પડી છે.મહેસાણા ડિવિઝનમાં આજે 5000 જેટલી બસ ટ્રિપ કેન્સલ કરવામાં આવી છે.