અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા અસંખ્ય દબાણોને દુર કરવાની મહાનગરપાલિકા દ્વારા મોટી ઝુબેશ ઉપાડવામાં આવી. વાહનોના આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે પણ શહેર પોલીસે સક્રિય થઇ ઉમદા કામગીરી કરી બતાવી. તંત્ર સક્રિય થાય અને હથોડો-કલમ ઉપાડે ત્યારે તો બેફામ વર્તનારા લોકો પણ કાબુમાં આવી જાય એ દ્રશ્યો ઉભા થયા. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારમાં આડેધડ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં પ્રજા અને વેપાર-ધંધાને માઠી અસર થઇ છે.
કેટલાક વિસ્તારમાં દબાણો દુર કરતી વખતે વિસમતા જોવા મળી રહી છે. ઇમ્પેક્ટ ફીના બહાના હેઠળ કેટલીક ઇમારતો હજીય ફૂટપાથ રોકીને ઉભી છે. બીજી તરફ પાર્કિગની સમસ્યા દુર કરવા તેમજ કોર્પોરેશને પોતાના પ્લોટ માંથી દબાણો દુર કરવા તારની વાડો કરી છે. જેમાં અણઘડ વહિવટ નજર સામે તરી આવે છે. અહીં ઉદાહરણ રુપે વાડજ વિસ્તારથી નવા વાડજ તરફ જતા માર્ગ પર આવેલા તુલસીશ્યામ ફ્લેટનું બસ સ્ટેન્ડ ફૂટ પાથ પર સ્થાયી છે એની આગળ તારની વાડ બનાવી દેવામાં આવી છે.
માર્ગ સુધી લંબાવેલી તારની વાડથી એ.એમ.ટી.એસમાં પ્રવાસ કરવા ઇચ્છતા મુસાફરો બસ સ્ટેન્ડ કે માર્ગ બંને તરફ ઉભા રહી શકે એવી સ્થિતિ જ નથી. હોસ્પિટલોની ભરમાર સાથેનો મહેસાણા સોસાયટી, પૂજા એપાર્ટમેન્ટ, તુલસીશ્યામ સોસાયટી પાસેના આ વિસ્તારમાં માર્ગની એક તરફ તારની વાડ જ જોવા મળી રહી છે. કેટલાક વેપારી સ્થળો, હોસ્પિટલો આગળ આડેધડ કરેલી તારની વાડથી મોટા વાહનો પાર્ક થઇ શકે એવી જગ્યા જ નથી.
જેની માઠી અસર ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને થાય છે. વાહન પાર્કિગની વ્યવસ્થા માટે કરાયેલી તારની વાડ ક્યાંક ઇજાઓ પહોંચાડી અવ્યવસ્થા ફેલાવી રહી છે., તો કેટલાક વિસ્તારના માથાભારે અસામાજીક તત્વો તારની વાડની તોડી પોતાની પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખતા નજરે પડે છે. વળી તુલસીશ્યામ સોસાયટીના આ બસસ્ટેન્ડ આગળ તારની વાડ બનાવાતા હવે મુસાફરોની જગ્યાએ ખાનાબદોશ લોકોએ અડ્ડો જમાવી દીધો છે.
(તસવીર અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)