વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરમાં વિવિધ વર્કશોપનું આયોજન

અમદાવાદઃ દેશમાં કોરોના રોગચાળાનો સમય બાળકો માટે પણ કપરો રહ્યો. તેમના વેકેશન દરમિયાન પણ રમતગમત, સંગીત, જ્ઞાન-વિજ્ઞાન, પ્રવાસની પ્રવૃતિઓ પર કોરોનામાં રોક લાગી ગઈ હતી. આ વર્ષે ઉનાળાના વેકેશન 2022માં ફરી એક વાર બાળકો મુક્ત મને ઇતર પ્રવૃતિ કરી રહ્યાં છે.

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીની એકદમ નજીક આવેલા વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પણ આ વર્ષે જુદી-જુદી વર્કશોપ શરૂ થઈ ગઈ છે. બાળકોમાં જ્ઞાન-વિજ્ઞાન અને સંશોધનમાંની રૂચિ વધારતી શહેરની VASCSC  સંસ્થાએ ‘2022 ના સમર પ્રોગ્રામ’માં ઘણી નવી પ્રવૃતિઓનો પણ ઉમેરો કર્યો છે. રોબોટિક્સ, ખગોળ શાસ્ત્ર, ગણિત,  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોડલ રોકેટરી અને અન્ય વિજ્ઞાનને લગતી 55થી વધારે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકર કહે છે કે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વર્ણવેલા પ્રયોગો અહીં કરે, તેનું વિશ્લેષણ કરે અને કંઈક નવું સર્જન કરવા પ્રોત્સાહિત થાય એ છે. આમ, તે વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ આનંદદાયક બનાવે છે.

શહેરમાં જ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની યાદમાં શરૂ કરાયેલી આ સંસ્થામાં વિજ્ઞાન, ગણિત અને ખગોળશાસ્ત્ર, જેવી અનેક બાબતોની અત્યાધુનિક લેબ, ઓડિટોરિયમ, પુસ્તકાલયની સાથે જુદા-જુદા મોડલ પણ મૂકવામાં આવ્યાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)