ગાંધીનગર- ગૌમાતાની સેવા કરતી ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને જમીન ટોચ મર્યાદા કાયદામાંથી મુ્ક્તિ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક રજૂ કરતા નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવી જમીન માટે થયેલી અપીલો પણ આપોઆપ રદ થશે અને વધુ જમીનો રાખવાની મંજૂરી આ સુધારાથી મળી શકશે.
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960 અન્ય હેતુઓ પૈકી સાર્વજનિક ગીત શ્રેષ્ઠ રીતે સાધી શકાય તે માટે રાજ્યમાં અમુક મર્યાદાથી વધુ ખેતીની જમીન રાખવા પર નિયંત્રણ લગાવેલ છે. આ અધિનિયમ અંતર્ગત પાંજરાપોળ ગૌશાળાના નિભાવ માટે ઉપયોગમાં લેવા જમીનો જેને ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધણી થયેલી જાહેર ધાર્મિક સંસ્થાની મિલકત હોવાને કારણે અથવા નિર્દિષ્ટ તારીખથી એક વર્ષની મુદતની અંદર અધિનિયમ હેઠળ એવા સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધણી કરી હોય તો નિર્દિષ્ટ તારીખની તરત જ પહેલા આ અધિનિયમની જોગવાઇઓ માંથી માફી આપવામાં આવી હતી. આમ છતાં પશુ કલ્યાણ માટે કામ કરતા કેટલાક ટ્રસ્ટો જે નિયત સમયમાં નોંધાયેલા ન હોય તેને નિયત કલમ હેઠળ માફી આપવામાં આવતી નથી. આવી સંસ્થાઓ માટે અલગ સાર્વજનિક ટ્રસ્ટ ની નોંધણી માટેની મુદતમાંથી મુક્તિ માટે આ સુધારા કરાયા છે.
આ માટે કોઈ જમીન રાજ્ય સરકારે ગૌશાળા કે પાંજરાપોળોને આપવાની નથી પરંતુ જે ગૌશાળાઓ એ જમીન ખરીદી હોય અને જમીન ટોચ મર્યાદા નીચે આવી ગઈ હોય તેને માત્ર નિયમિત્ત જ કરવાની છે અને નવી જમીન ખરીદે તો એને મંજૂરી આપવાની છે. ગુજરાત વિધાનસભા ખાતે આ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું.