પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસે આજે ગાંધીનગરમાં રાજભવનમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પશ્ચિમ બંગાળના નાગરિકોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, કલા અને કૌશલ્યની ભૂમિ બંગાળે હંમેશા સાંસ્કૃતિક વિરાસતને નવી ચેતના પ્રદાન કરી છે.
નેતા સુભાષચંદ્ર બોઝ વિના આઝાદીનો સંગ્રામ અશક્ય જણાય છે. રાજા રામમોહનરૉય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકો તથા રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મહાન સાહિત્યકારોએ બંગાળને સજીવતાપૂર્ણ પ્રાંતની ઓળખ આપી છે એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, બંગાળની ધરતી એ સમય-સમય પર આ રાષ્ટ્રને નવીન ચિંતન આપ્યું છે.
એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા અને ભારતીય વિદ્યા ભવન સ્કૂલ, વડોદરામાં અભ્યાસ કરતી બંગાળી છાત્રાઓ અને બંગાળ કલ્ચરલ એસોસિએશન, અમદાવાદની બહેનોએ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શનાદેવીની ઉપસ્થિતિમાં બંગાળી નૃત્યો અને ગીતોનો રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. રાજ્યપાલએ બંગાળી ગીત-સંગીત અને કલાની પ્રશંસા કરતાં કહ્યું કે, સંબંધોમાં પરસ્પર તાલમેલ અને લય હોય તો જ સંગીત અને નૃત્યમાં લય અને તાલમેલ સંભવ છે. શાંતિ ભારતનો મૂળ મંત્ર છે ત્યારે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાથે યોજાઈ રહેલા આવા કાર્યક્રમોથી ભિન્ન-ભિન્ન પ્રદેશોના નાગરિકો વચ્ચે આદાન-પ્રદાન સુદ્રઢ થાય છે,જે એકતાને અખંડ બનાવે છે. આ ઉપરાંત રાજ્યપાલએ પશ્ચિમ બંગાળના સૌ નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બંગાળ કલ્ચરલ એસોસિએશન, અમદાવાદના કોરિયોગ્રાફર સુમોના લાહિરી, ગ્રુપ લીડર રીટા કર અને એમ.એસ. યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન સ્કૂલ, વડોદરાના ગ્રુપ લીડર મધુમિતા રૉય ચૌધરીનું સન્માન કર્યું હતું. સમારોહના આરંભે બંગાળ કલ્ચરલ એસોસિએશનના અધ્યક્ષ અજોય દાસ અને સેક્રેટરી ગૌતમ લાહિરીએ રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું. આ અવસરે ગુજરાતમાં સેવારત બંગાળી ઉચ્ચ અધિકારીઓ, અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ, ભારતીય થલસેનાના બ્રિગેડિયર સંજીવ સેનગુપ્તા, કર્નલ ચિત્રા બેનર્જી, ભારતીય તટરક્ષક દળના કમાન્ડન્ટ અનિમેશ મજુમદાર, ડેપ્યુટી કમાન્ડન્ટ ચાંદની બેનર્જી, દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના પ્રિન્સિપલ મેડિકલ ઑફિસર એર કોમોડોર રાજીવ ભટ્ટાચાર્ય અને બંગાળના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.