ઓપરેશન સિંદૂર કાર્યવાહી ફક્ત ટ્રેલર હતી, જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું: રક્ષા મંત્રી

16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો તે ઠીક છે. પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું, “અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. ‘આતંકવાદ પર હુમલો કરવો અને તેને ખતમ કરવો’ એ નવા ભારતનો નવો સામાન્ય નિયમ છે.”

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ને ઇસ્લામાબાદને આપવામાં આવેલી $1 બિલિયનની સહાય પર પુનર્વિચાર કરવા અને ભવિષ્યમાં કોઈ સહાય ન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન તેના નાગરિકો પાસેથી એકત્રિત કરાયેલા કરનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરને લગભગ 14 કરોડ રૂપિયા આપવા માટે કરશે, ભલે તે યુએન દ્વારા ઘોષિત કરેલો આતંકવાદી હોય. પાકિસ્તાન સરકારે મુરીદકે અને બહાવલપુર સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી માળખાને ફરી સક્રિય કરવા માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે. ચોક્કસ, IMFની એક અબજ ડોલરની સહાયનો મોટો ભાગ આતંકવાદી માળખાને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. શું આને આંતરરાષ્ટ્રીય સંગઠન IMF દ્વારા પરોક્ષ ભંડોળ ગણવામાં આવશે? પાકિસ્તાનને આપવામાં આવતી કોઈપણ નાણાકીય સહાય આતંકવાદ ભંડોળ કરતાં ઓછી નથી. ભારત દ્વારા IMF ને આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પાકિસ્તાન અથવા અન્ય કોઈપણ દેશમાં આતંકવાદી માળખા બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવો જોઈએ નહીં.”

સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના (IAF) દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની પ્રશંસા કરી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. માત્ર 23 મિનિટમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવા બદલ વાયુસેનાના બહાદુરોની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “જ્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી, ત્યારે દુનિયાએ ભારતની વીરતા અને બહાદુરીનો પડઘો સાંભળ્યો.” તેમણે કહ્યું કે આતંકવાદ સામેની આ કાર્યવાહી ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન તેણે માત્ર દુશ્મનોને હરાવ્યા જ નથી, પરંતુ તેમનો નાશ પણ કર્યો છે.

રાજનાથ સિંહે ભાર મૂક્યો હતો કે, ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનના દરેક ખૂણા પર હુમલો કરવા સક્ષમ છે. તેમણે કહ્યું, “દુનિયાએ જોયું છે કે ભારતીય વાયુસેનાએ આતંકવાદી છાવણીઓ અને પછી પાકિસ્તાનના એરબેઝનો નાશ કેવી રીતે કર્યો. ભારતીય વાયુસેનાએ સાબિત કર્યું કે ભારતની યુદ્ધ નીતિ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે. તેમણે એક નવા ભારતનો સંદેશ આપ્યો કે આપણે ફક્ત વિદેશથી આયાત કરાયેલા શસ્ત્રો અને પ્લેટફોર્મ પર નિર્ભર નથી, પરંતુ ભારતમાં ઉત્પાદિત ઉપકરણો આપણી લશ્કરી શક્તિનો ભાગ બની ગયા છે.

ભારતમાં ઉત્પાદિત શસ્ત્રો પણ અભેદ્ય છે.” સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને પોતે ‘બ્રહ્મોસ’ મિસાઇલની શક્તિનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે આ મેડ ઇન ઇન્ડિયા મિસાઇલે રાત્રિના અંધારામાં પાકિસ્તાનને દિવસનો પ્રકાશ બતાવ્યો, અને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીની પણ પ્રશંસા કરી જેમાં આકાશ અને DRDO દ્વારા બનાવેલ અન્ય રડાર સિસ્ટમોએ જબરદસ્ત ભૂમિકા ભજવી છે.

ગઈકાલે શ્રીનગરના બદામીબાગ કેન્ટ ખાતે બહાદુર ભારતીય સેનાના જવાનો અને આજે ભૂજમાં વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકો સાથેની વાતચીતમાં, રક્ષા મંત્રીએ કહ્યું કે તેમને ફરી એકવાર વિશ્વાસ છે કે ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું, “મેં બંને મોરચા પર સૈનિકોમાં ઉત્સાહ અને દેશભક્તિનું  ઉચ્ચતમ સ્તર જોયુ  છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા દળોએ જે કર્યું તેના પર સમગ્ર રાષ્ટ્ર ગર્વથી ભરેલું છે.”

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભુજે 1965, 1971 અને હાલમાં પાકિસ્તાન પર ભારતની જીત જોઈ છે. તેમણે ભૂજને દેશભક્તિની ભૂમિ તરીકે વર્ણવ્યું હતું, જ્યાં સૈનિકો રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે અટલ સંકલ્પ સાથે ઉભા રહે છે. તેમણે માતૃભૂમિ પ્રત્યેની સેવા બદલ વાયુસેનાના યોદ્ધાઓ અને સશસ્ત્ર દળો અને બીએસએફના અન્ય બહાદુર સૈનિકોનો આભાર માન્યો હતો.

સશસ્ત્ર દળોને નવીનતમ શસ્ત્રો/પ્લેટફોર્મ અને આધુનિક માળખાગત સુવિધાઓથી સતત સજ્જ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા શ્રી રાજનાથ સિંહે કહ્યું કે, એક મજબૂત રાષ્ટ્ર તેની સેનાનું સન્માન કરે છે અને તેને સંસાધનો, ટેકનોલોજી અને તમામ પ્રકારની સહાય પૂરી પાડે છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, પહેલા ભારત આયાત પર ખૂબ નિર્ભર હતું. પરંતુ આજે તે સ્વદેશી રીતે આર્ટિલરી સિસ્ટમ્સ, રડાર સિસ્ટમ્સ, મિસાઇલ શિલ્ડ્સ, ડ્રોન અને કાઉન્ટર ડ્રોન જેવા ઉપકરણોનું ઉત્પાદન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “આપણે આયાતકારથી નિકાસકાર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ તો માત્ર શરૂઆત છે.”

રાજનાથ સિંહે કહ્યું કે ભારતના લોકો, સરકાર, સશસ્ત્ર દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ સામેની આ લડાઈમાં એકતા અને સમજણ દર્શાવી છે, જેમાં દરેક નાગરિક એક સૈનિકની જેમ ભાગ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર અને લોકો દરેક પગલા પર તેમની સેના સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે “આપણે સાથે મળીને આ ક્ષેત્રમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું અને કોઈ પણ દેશની સાર્વભૌમત્વ પર ખરાબ નજર નાખવાની હિંમત કરશે નહીં”.

સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત પહેલગામમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ઓપરેશન સિંદૂર દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે ઘાયલ સૈનિકોના ઝડપી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી. આ પ્રસંગે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.