ગાંધીનગર– ગુજરાત સરકારે દૂધમાં થતી ભેળસેળ સામે લાલ આંખ કરી છે, તેના પગલે આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સધન કામગીરી હાથ ધરાઇ છે, જેમાં દૂધના નમૂના લેવાથી લઇને દરોડા પાડવા, વિશેષ તપાસ કરવી જેવા કડક પગલાં ભરાયા છે.ગુજરાતના કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવ્યાનુંસાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં 5 એપ્રિલ, 2018ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાથી દૂધ અન્વયેની સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી દૂધનું વેચાણ કરતાં ફેરીયા, ખાનગી ડેરીઓ, તબેલા, સહકારી ડેરી વગેરે તમામ સ્થળોથી દૂધના પેક/લુઝ કુલ 220 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે તમામ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં દૂધમાં ભેળસેળ અંગેની તપાસ દરમિયાન કોઇપણ જગ્યાએથી યુરીયા, ડીટર્જન્ટ, કોસ્ટીક સોડા, શેમ્પુ જેવા વાંધાજનક રસાયણો મળી આવ્યા નથી. ચકાસણી માટે મોકલી આપેલ દૂધના નમૂનાઓના લેબોરેટરીના પૃ્થ્થક્કરણ અહેવાલ આવ્યાથી કસુરવારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ નીચે આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરે જણાવ્યું છે.