બે મહિનામાં કુલ રૂ.23.23 કરોડનો દારૂ પકડાયો, 17,248 આરોપી પકડાયા

ગાંધીનગર– ગુજરાત સરકારના સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીને પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ-૨૦૧૬ની સામે વર્ષ-૨૦૧૭માં ૪૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં કુલ રૂપિયા 23 કરોડનો વિદેશી અને રુપિયા 23 લાખનો દેશી દારૂ પકડાયો છે.ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ-૨૦૧૬માં દેશી દારૂ સંબંધી ૧,૫૩,૧૫૬ ગુનાઓ નોંધાયા હતા. પરંતુ રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં ત્રણ ગણો વધારો કરીને  વધુ કડક બનાવતા વર્ષ-૨૦૧૭માં દેશી કે વિદેશી દારૂ સંબંધી ગુનાઓની સંખ્યા ઘટીને ૭૯,૫૫૮ થઈ છે એટલે કે, આ ગુનાઓમાં ૪૮ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગુજરાત પોલીસે છેલ્લાં ત્રણ માસમાં કરેલી ફાસ્ટ્રેક કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે સુધારેલા કાયદા બાદ દારૂ સંબંધી ગુનાઓ સામે ખૂબ જ કડક હાથે કામ લીધુ છે. જેના ભાગરૂપે રાજ્યમાં જાન્યુઆરી-૨૦૧૮થી માર્ચ-૨૦૧૮ સુધીમાં દારૂ સંબંધી કુલ ૪૮,૨૭૩ કેસ કરીને કુલ ૧,૯૫,૫૩૬ લિટર દેશી દારૂ અને ૨૧,૨૭,૯૯૬ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે કુલ રૂ. ૨૩ કરોડનો વિદેશી અને રૂ. ૨૩ લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૭,૨૪૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કુલ ૧૮૫૦ વાહન કબ્જે લેવામાં આવ્યા છે.  આ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જુગારના કુલ ૧૮૩૭ કેસમાં કુલ ૭૬૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દારૂ-જુગારની પ્રવૃત્તિ સંપૂર્ણમાં કાબૂ લેવા તેની સાથે જોડાયેલા ઈસમો સામે કડક હાથે કામ લઈને તેમની સામે અટકાયતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં છેલ્લાં ૩ માસમાં કુલ ૫,૮૯૮ ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જયારે ૫૨૫ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. દારૂની હેરફેરના કેસમાં જે વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે તેવા વાહનોને નવા કાયદા મુજબ છોડી શકાતા નથી. દારૂબંધીના કાયદામાં થયેલા ફેરફાર બાદ રાજ્ય પોલીસ દ્વારા અંદાજે કુલ ૧૦ હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જે પૈકી ૬,૦૦૦ જેટલા વાહનો હજુ પણ પોલીસ જપ્તી હેઠળ છે. જે ૪,૦૦૦ જેટલાં વાહનો છોડવા નીચલી અદાલતો દ્વારા હુકમ થયા છે તે હુકમો સામે પણ ઉપરની અદાલતમાં અપીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ અંગે ફરીયાદ કરવા જાહેર જનતા માટે ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર-૧૪૪૦૫ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરીને વ્યક્તિગત, સામાજિક, આર્થિક અને નૈતિક રીતે પતન કરનારા દારૂના દૂષણથી સમાજની તંદુરસ્તીને હણનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. રાજ્યમાં નશાબંધીના ચૂસ્તપણે અમલ માટે સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગૃહ વિભાગ દ્વારા સોશ્યલ મીડિયાનો વ્યાપક સહયોગ મેળવવામાં આવી રહ્યો છે. નાગરિકો વોટ્સએપ અને એસ.એમ.એસ. દ્વારા માહિતી આપે છે, જેના પરિણામે આ સફળતા મળી છે. રાજ્ય સરકારે નશાબંધી ધારાને વધુ કડક બનાવ્યો છે. દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજા ૧૦ વર્ષની તથા રૂ.૫ લાખના દંડની જોગવાઇ પણ કરી છે.