કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એકની હત્યા, સ્થાનિક વિરોધ બાદ પીઆઈ સસ્પેન્ડ

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, અપહરણ અને મારામારી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનાને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે.

અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટ આગળ મોડી રાતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દુર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે બે યુવકોને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીંકી દીધા હતા જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે. હુમલો થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટુ-વ્હિલરને પણ આગચંપી કરી હતી. મોડી રાતે સર્જાયેલા હત્યાકાંડ બાદ કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે પોલીસે જીગ્નેશ, વિક્કી, વિશાલ અને વિરાજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા એક અઠવાડિયામાં અસામાજિક તત્વોનો ગુજરાતમાં આંતકમાં ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યાં અમદાવાદમાં શનિવારે (16મી નવેમ્બર) મોડી સાંજે નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. શહેરના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરાઈ હતી. આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 13મી નવેમ્બરે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી. બીજી તરફ બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યા એનઆરઆઈ દીપક પટેલની બોથડ પદાર્થના ઘા કરી હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.