અમદાવાદઃ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એ માટે ૨૦ માર્ચનો દિવસ ‘ચકલી બચાવો’ અભિયાન તરીકે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે. યુથ સર્વ ફાઉન્ડેશનના ફાઉન્ડર વંદિત કાપકર તથા સોશિયલ એકિટવિટીઝમાં રસ લેતા બીજા અન્ય વોલિન્ટિયરોની મદદથી યોજાયેલી “આશિયાના” ઇવેન્ટમાં રોપડા ગામની રોપડા પ્રાથમિક શાળામાં ‘વર્લ્ડ સ્પેરો ડે’ નિમિત્તે પંખીઓને રહેઠાણ મળી રહે એ હેતુથી માટીના ૧૦૦ જેટલા માળાઓ (માટીના ગરબા) લાવવામાં આવ્યા હતા.
આ માળાઓને યુવાનોએ શાળાના ભણતા અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી એવી રીતે રંગ્યા હતા, જેથી પંખીઓને પણ રહેઠાણ મળી રહે તથા શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને પણ રમતાં-રમતાં પાયાનું શિક્ષણ મળી રહે, જેમ કે ABCD , હિન્દી અને ગુજરાતીમાં બારાખડી અને ૧થી ૧૦૦ નંબર લખવામાં આવ્યા હતા.
આ કલરફૂલ માળાઓને શાળાના પ્રાંગણમાં તથા શાળાની આજુબાજુનાં ઝાડ પર ચઢીને લગાવવામાં આવ્યાં હતાં. આમ પ્રકૃતિ અને પક્ષીઓ માટે આ વખતે આ યુવાનોએ પોતાની પોકેટ મની ખર્ચીને પક્ષીઓ માટે માળા લગાવવામાં મદદ કરી હતી.
