જ્યોતીન્દ્ર દવેની જન્મજયંતિ નિમિત્તે દિલ્હીમાં યોજાયો કાર્યક્રમ ‘હસાહસ’

નવી દિલ્હી: ગુજરાતી સાહિત્યના દંતકથા સમાન મૂર્ધન્ય હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે હાસ્યની છોળો ઉડાડતો કાર્યક્રમ ‘હસાહસ’ યોજાઈ ગયો. વલસાડના વતની, જાણીતા હાસ્યલેખક અને ટેલિવીઝન પડદાના લોકપ્રિય કલાકાર રમેશ ચાંપાનેરીએ દિલ્હીવાસી ગુજરાતી શ્રોતાઓને મનભાવન હાસ્ય પીરસ્યું.

રામાનંદ સાગરની ‘રામાયણ’ ટીવી સીરિયલમાં રાવણના નાનાજી માલ્યવાનની ભૂમિકા ભજવીને લોકહૈયે વસી ગયેલા ‘રસમંજન’ ઉપનામથી ઓળખાતા ચાંપાનેરીએ ‘હસાહસ’ શીર્ષકવાળા કાર્યક્રમમાં શ્રોતાઓને પેટ પકડીને બે કલાક સુધી હસાવ્યે રાખ્યા હતા. સ્વજન ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીના ત્રિવેણી કલા સંગમ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જગદીપ રાણા, મહેન્દ્ર ભટ્ટ, દીપક ધોળકિયા, વિરાટ શાહ, મીતા સંઘવી વગેરે જેવા દિલ્હીના ગુજરાતી અગ્રણીઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમના આયોજનમાં ‘સ્વજન’ના પ્રમુખ ઉમેશ માણેક તથા કોઓર્ડિનેટર પ્રફુલ જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. ધનસુખલાલ પારેખની ભૂમિકામાં રાજેશ પટેલ અને જ્યોતીન્દ્ર દવેની આબેહૂબ ભૂમિકા ભજવીને વિજય પંચાલે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને નિર્દેશન ભાગ્યેન્દ્ર પટેલે કર્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યોતીન્દ્ર દવેની પુણ્યતિથિ નિમિત્તે ૧૧ સપ્ટેમ્બરથી લઈને ૨૧ ઓક્ટોબર સુધી ૪૧-દિવસનો સમયગાળાને રાજધાનીની ગુજરાતી આલમમાં ‘જ્યોતીન્દ્ર-હાસ્યપર્વ’ તરીકે ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.