નર્સે પાટો કાપવા જતાં અંગૂઠો કાપી નાંખ્યો, ફરી વીએસ હોસ્પિટલ વિવાદમાં…

અમદાવાદઃ શહેરની વી.એસ હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલીનો મામલો હજુ ભૂલાયો નથી ત્યાં વધુ એક મોટો વિવાદ સર્જે તેવી ઘટના બહાર આવી છે. આજે વી.એસ હોસ્પિટલની બેદરકારીનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તેણે ખળભળાટ મચાવી દીધો છે. હોસ્પિટલમાં એક નાનકડી બાળકીના હાથમાં લાગેલો પાટો કાપવાનો હતો, પરંતુ વીએસ હોસ્પિટલની નર્સે કાતરથી પાટો કાપવાની જગ્યાએ માસૂબ બાળકીનો અંગૂઠાની ઉપરનો ભાગ કાપી નાંખ્યો હતો. વીએસ હોસ્પિટલના નર્સ સોનાલી પટણી આ ઘટના બાદ રજા ઉપર ઉતરી ગયાં છે. જ્યારે તંત્રએ તપાસ બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.

બાળકી છ માસની છે, અને હવે તેને આખી જિંદગી એક અંગૂઠા વગર કાઢવી પડશે. કેમ વીએસ હોસ્પિટલનું નઘરોળ તંત્ર વારંવાર લાપરવાહીના કિસ્સા છતાં કોઈ પગલાં ભરી નથી રહ્યું. અમદાવાદ કોર્પોરેશન હજારો કરોડો રૂપિયાના ખર્ચે વીએસની બાજુમાં જ એસવીપી જેવી વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવે છે. પણ તે જ તંત્ર ગરીબ પરિવારોની માસૂમ બાળકીઓની સારવાર કરવામાં ઊણું ઉતરે છે.

માહેનૂર મોહમદ મોસીન કુરેશી નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને વી.એસ હોસ્પિટલમાં 29 મેના રોજ બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રજા આપતી વખતે હાથમાં લાગેલી સોય  કાપવા જતા નર્સ દ્વારા બાળકીનો અંગૂઠો પણ કપાયો હતો. હાલ બાળકીને ટાંકા લેવા પડ્યાં છે, ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. આ ઘટના બહાર પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો હતો. 6 માસની માહેનૂરની આંગળી કાપનાર નર્સની સામે કાર્યવાહી કરવા પરિવાજનોએ માગ કરી છે.

આ ઘટના સામે આવતા જ નર્સ સોનાલી પટણી બધાંની નજર સામેથી ફરાર થઈ ગઈ હતી. હજી તાજેતરમાં જ હોસ્પિટલમાં બે મૃતદેહોની આપલે થઈ હતી, ત્યારે બાળકી સાથે બનેલી આ ઘટના બાદ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. આ સમગ્ર મામલે અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. તપાસ કરીને કસૂરવાર સામે પગલા લેવામાં આવશે. આરોપીને માફ કરવામાં નહીં આવે.