અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થતાં જ ભાજપ-કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ગઈ કાલે ઉમેદવારો જાહેર કરવાને બદલે ફોન પર મેન્ડેટ આપી દેવામાં આવતાં કોંગ્રેસના અનેક કાર્યકરો વિરોધ કરવા માટે કાર્યાલય પહોંચ્યા હતાં. શહેરમાં જમાલપુરના સિટિંગ કોર્પોરેટરને ટિકિટ નહીં મળવા પાછળ સ્થાનિક ધારાસભ્ય જવાબદાર હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત 750થી વધુ કાર્યકરોએ રાજીનામાં પણ આપી દીધાં હતાં. પક્ષના યુવા કાર્યકરોએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
બીજી તરફ સુરત કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ નહીં મળતાં આવી તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતાં કોંગ્રેસના અનેક કાર્યકરો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતાં. અમદાવાદના અસારવામાંથી આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થતાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા અને દેખાવો કર્યા હતા. ગઈ કાલે અસારવાના સ્થાનિક લોકો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતાં.
કોંગ્રેસની અંદરનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણી અંગે ભારે નારાજગી વ્યાપી રહી છે. સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા છે. કોંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા છે.
ભાજપમાં પણ નારાજગી
સામે પક્ષે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિયમોમાં અનુભવી કોર્પોરેટરોનાં પત્તા કપાઈ ગયાં હતાં. જાહેર કરાયેલા ઉમેદવારો અંગે વિવિધ સાત જેટલા વોર્ડોમાં દાવેદારો અને તેમના સમર્થકોમાં અસંતોષ પ્રવર્તતાં શુક્રવારે કાર્યકર્તાઓનો ધસારો દિવસભર પાટિલના અંબાનગર કાર્યાલયે તથા ઉધના કાર્યાલયમાં રહ્યો હતો. જાહેર કરાયેલા ઉમેદવારો સામે નારાજગી અને પોતાને ટિકિટ નહી મળી હોવા અંગેની રજૂઆતો કરવામાં આવતી હતી.
