અમદાવાદ– શહેરની કોર્ટમાં જિગ્નેશ મેવાણી સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં એક વિરોધ કાર્યક્રમ દરમિયાન દિલ્હી જતી રાજધાની ટ્રેનને રોકવાના આરોપ સર એફઆઈઆર દાખલ થઇ હતી જેમાં અદાલતની સુનાવણીમાં હાજર નહીં રહેવાના કારણે બિનજામીનપાત્ર વોરંટ ફરમાવવામાં આવ્યું હતું.મેટ્રોપોલિટન કોર્ટના ખાસ જજ આર એશ લંગાએ મેવાણી અને તેના 12 સાથીદારો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું.
મેવાણીએ 11 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલન વિરુદ્ધ રેલ રોકો કાર્યક્રમમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસને રોકી રાખી હતી જેમાં મેવાણી અને તેના સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી અને આઈપીસી 143, 147 અને ભારતીય રેલ અધિનિયમ સંબંધિત ધારા લગાડી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલામાં મેવાણીના વકીલ શમશાદ પઠાણે કોર્ટમાં અજી કરી હતી કે મેવાણીને હાજર રહેવામાંથી મુક્તિ આપલામાં આવે. જોકે અદાલતે આ અરજી પર વિચાર કરવાની મનાઇ ફરમાવી દીધી હતી. વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મેવાણી વડગામ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં વ્યસ્ત હતો.
કોંગ્રેસ વડગામ બેઠક પર મેવાણીની અપક્ષ ઉમેદવારીને પરોક્ષ ટેકો આપતાં પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી.