સુરતઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલામાં રાજ્યની સેશન્સ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજાની વિરુદ્ધ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સજા પર પ્રતિબંધ મૂકવાથી ઇનકાર કર્યો હતો. સેશન કોર્ટના જજ આર. પી. મોગરાએ ગુરુવારે અરજી પર ચુકાદો આપતાં માત્ર એક શબ્દ કહ્યો હતો કે ડિસમિસ એટલે ખારિજ. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીના વકીલ હવે આવતી કાલે હાઇકોર્ટમાં અપીલ કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે, તેને મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. દિલ્હીની લીગલ ટીમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ કામે લાગી હતી.
સુરત કોર્ટે 23મી માર્ચે રાહુલને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જોકે તેમને 27 મિનિટ બાદ જામીન મળી ગયા હતા. 2019માં તેમણે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. આ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં ચુકાદો આપ્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ 24 માર્ચે રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદના ઘટનાક્રમમાં 27 માર્ચે લોકસભા હાઉસિંગ કમિટીએ રાહુલને બંગલો ખાલી કરવા નોટિસ મોકલી હતી. સમિતિએ તેમને 22 એપ્રિલ સુધીમાં 12 તુગલક રોડનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું.