ગાંધીનગર– 99 બેઠકો સાથે રુપાણી સરકાર બન્યાંને બે દિવસમાં જ પ્રધાનોની નારાજગી સામે આવી હતી. ડેપ્યૂટી સીએમનો મામલો માંડમાંડ ઠેકાણે પાડ્યો ત્યાં રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીને કેબિનેટમાં સ્થાન ન મળતાં તેઓ નારાજ થયાં હતાં. બીજી તરફ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના સમર્થકોએ કાર્યાલય પર જઈને દેખાવો કર્યા હતા, અને પ્રધાનપદ મળવું જોઈએ તેવી માગ કરી હતી. પણ આજે પોઝિટિવ સમાચાર મળી રહ્યાં છે. પરસોત્તમ સોલંકી અને જેઠા ભરવાડની નારાજગી દૂર થઇ છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.મુખ્યપ્રધાન વિજય રુપાણીને હાલ તો સફળતા મળી છે. પણ આવા અનેક પ્રધાનો છે કે જેમને અસંતોષ છે. ચાર કે પાંચ ટર્મથી ચૂંટાતા હોવા છતાં કેબિનેટમાં કે બોર્ડ નિગમ કે સચિવ તરીકે સ્થાન નથી મળ્યું. આગામી દિવસોમાં રુપાણી જો કેબિનેટનું વિસ્તરણ કરશે તો અનેક અસંતોષી પ્રધાનોને ખાતા મળે, અને બોર્ડ નિગમોના ચેરમેનની વરણી કરવી પડશે તેમજ સંસદીય સચિવની પણ નિમણુંક કરવી પડશે. તો જ ધારાસભ્યોની નારાજગી દૂર થશે. જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે વિજય રુપાણી આગામી પંદર દિવસમાં જ કેબિનેટનું વિસ્તરણ કરશે, હાલ કમુરતા ચાલે છે, માટે તેઓએ થોભો અને રાહ જુઓની નિતી અપનાવી છે.
પરસોત્તમ સોલંકીને સીએમ વિજય રૂપાણીએ ખાતરી આપી છે કે કોળી સમાજને કોઈ અન્યાય નહી થાય, પછી રાજ્યકક્ષાના મત્સયપ્રધાન પરસોત્તમ સોલંકી માની ગયા છે. બીજી તરફ જેઠા ભરવાડે પણ અતિમહત્વનું નિવેદન આપ્યું છે કે હું પાર્ટીથી નારાજ નથી, હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું અને હવે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગું છું. આમ બે નારાજ પ્રધાનો તરફથી સત્તાવાર નિવેદન આવ્યા છે, જેથી રુપાણી સરકાર અને ભાજપ હાઈકમાન્ડે રાહતનો શ્વાસ લીધો છે.