રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. દિવસેને દિવસે કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે કોરોનાના કપરા સમયમાં પ્રજાજનોના રક્ષણ માટે પોલીસ સતત કાર્યરત રહે છે. આ પોલીસ જવાનો દિવસ-રાત પોતાની ફરજ નિભાવી લોકોને કોરોના સામે એક પ્રકારનું રક્ષણ મળી રહે અને લોકો કામ વગર ક્યાંય બહાર ન નીકળે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને સુરક્ષાના બંદોબસ્તમાં ખડેપગે ગોઠવાયેલા છે. આ કોરોના સૈનિકોની ધીરજ ખૂટી નથી. બધા જ હજી જુસ્સાથી કામ કરે છે. અને લોકો પણ તેમનો જુસો વધારી રહ્યા છે.
જૂનાગઢમાં હમણાં એવું જ બન્યું. પોલીસ કર્મચારી સંજય ગઢવી પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પાડોશીઓએ તાળી વગાડીને એમના પર પુષ્પ વર્ષા કરી.
સંજયભાઈ તો ડયુટી પૂર્ણ કરી રાબેતા મુજબ ઘરે પહોંચ્યા. શેરી નંબર ૧૩ના રહેવાસીઓ રાહ જોઈને ઊભા હતા. જેવા એ શેરીમાં આવ્યા કે તાળીઓના ગડગડાટ શરૂ થયા. સંજયભાઇ તો નવાઈ લાગી. ત્યાં તો એમના પર ગુલાબની પાંદડીઓ વરસવાનું શરૂ થયું. વિસ્તારમાં રહેવાસીઓએ આ રીતે એમનું બહુમાન કર્યું.
(જ્વલંત છાયા-રાજકોટ)