આણંદઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ને પાંચ વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરવાની વિનંતી કરી છે. રાજ્યના ડેરી સહકારી ઉદ્યોગને સુદ્રઢ બનાવવાની આ વિનંતીને NDDBએ સ્વીકારી લીધી છે. આ સંબંધે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સરકાર, પ્રાદેશિક કોપરેટિવ ડેરી ફેડરેશન લિ. (PCDF), વારાણસી મિલ્ક યુનિયન અને NDDB વચ્ચે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા હતા.
મત્સ્યપાલનપ્રધાન લક્ષ્મીનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવકને બમણી કરવાના વડા પ્રધાનના ઉદ્દેશ્યને અનુરૂપ એવી NDDBની આ વિકાસલક્ષી પહેલ દૂધઉત્પાદકોને પ્રોત્સાહિત કરશે અને તેમને તેમાં સામેલ કરશે. તેમણે દેશમાં આધુનિક ડેરી પ્લાન્ટ્સ સ્થાપવાની અને તેમને નફો રળતા કરવાની NDDBની કુશળતાને બિરદાવી હતી.
પશુપાલન વિભાગના સચિવ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે દૂધનું ઉત્પાદન વધારવાના વડા પ્રધાનના સપનાંને સાકાર કરવા રાજ્યમાં પ્રોજેક્ટ ગીર લોન્ચ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ સામેલ કરવામાં આવેલી ગીરની ગાયોનો ઉપયોગ આઇવીએફ ટેકનોલોજી મારફતે ઉત્પાદકતા વધારવામાં થશે.
NDDBના ચેરમેને વારાણસી મિલ્ક યુનિયનને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું, જેથી તે તેના સભ્યોને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકે. તેમણે જણાવ્યું હતું કે ડેરી બોર્ડના પ્રયત્નો વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના રહેશે. પશુપાલન વિભાગનાં સંયુક્ત સચિવ વર્ષા જોશીએ જણાવ્યું હતું કે NDDBનો હસ્તક્ષેપ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય પરિવારોમાં ખૂબ જ જરૂરી એવું પરિવર્તન લાવશે.