રાજકોટ– રાજકોટવાસીઓ માટે ઊનાળાના આકરા દિવસો અગાઉ રાહતના સમાચાર આવી રહ્યાં છે. રાજકોટના આજી ડેમમાં પીવાના પાણી માટે નર્મદાના નીર વહેતાં કરવામાં આવ્યાં છે.
આજી ડેમમાં પાણી ઠાલવવા માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જે આજ સાંજ સુધીમાં આજી ડેમમાં પહોંચશે. પીવાના પાણીની તંગી દૂર કરવા માટે પ્રશાસન દ્વારા આ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.
આજી ડેમમાં 25 દિવસમાં 700 ક્યૂસેક પાણી પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરુપે છાલવવામાં આવશે. આજી ડેમ માટે ધોળી ધજા ડેમમાં ભરવામાં આવેલું નર્મદા નીર છોડવામાં આવ્યું છે. રાજકોટના આજી ડેમમાં 15 દિવસ 500 એમસીએફટી પાણી આપવામાં આવશે. હાલમાં માચ્ર સુધી ચાલે એટલું જ પાણી આજીમાં હતું ત્યારે નવું પાણી મળતાં લોકોમાં આનંદની લહેર ફરી વળી હતી.
આજી ડેમની જળ સપાટી 29 ફૂટની છે જેમાં હાલ તળીયાં દેખાઇ રહ્યાં છે તેમાં નર્મદા નીરના પાણીની આવકથી આશરે 7 મીટર પાણીનો વધારો થશે. જોકે રાજકોટ મનપા દ્વારા 1700 કરોડ લિટર પાણી માગવામાં આવ્યું હતું જેમાં સિંચાઇવિભાગે 2 હજાર કરોડ લિટર પાણી આપવાનો નિર્ણય કર્યો છે. સીએમે રાજકોટવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે રાજકોટવાસીઓને પીવાના પાણીની તંગી નહીં અનુભવવા દેવાય તેથી પાણી છોડાયું હોવાનું સ્થાનિક ભાજપ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.