અમદાવાદ: એવોર્ડવિજેતા ટાઉન પ્લાનર એન. કે. પટેલે કેલિફોર્નિયામાં રોકાણ દરમ્યાન ઝડપેલી તસવીરોના પ્રદર્શનનું સેપ્ટના પ્રેસિડેન્ટ અને પદ્મશ્રી એવોર્ડવિજેતા ડો. બિમલ પટેલે મંગળવારે ઉદઘાટન કર્યું હતું. પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર એન. કે. પટેલ જણાવે છે કે એક ડેવલપર અને ટાઉન પ્લાનર તરીકે મને ત્યાંના સ્થાપત્યના વૈવિધ્યમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ છે.
ત્યાં એક તરફ ગગનચુંબી ઇમારતો છે તો બીજી તરફ, સ્પેનિશ, વિકટોરિયન, અને નિયો-ક્લાસિકલ સ્થાપત્ય શૈલીથી પ્રભાવિત કેટલાંક સદીઓ જૂનાં સ્ટ્રક્ચર અને સ્મારકો પણ છે. કેટલાંક સ્થાપત્યો તો કલાસિક છે અને આધુનિક તથા પરંપરાગત શૈલીનો સમન્વય ધરાવે છે.
પટેલે તેમની દીકરીને ત્યાં મુલાકાત દરમ્યાન ફુરસદના સમયમાં ઝડપેલી તસવીરોમાં કેલિફોર્નિયાના સમૃદ્ધ અને વૈવિધ્ય ધરાવતા સ્થાપત્ય ઉપરાંત દુનિયાભરના સ્થાપત્યની અસર ધરાવતા સ્થાપત્યની તસવીરોનો સમાવેશ થાય છે, કારણ કે ત્યાં સ્થાયી થયેલા દુનિયાના ઘણા લોકોએ કેલિફોર્નિયાને પોતાનુ વતન બનાવ્યું છે. આ લોકો તેમની પરંપરાગત સ્થાપત્ય શૈલી લઈને આવ્યા છે અને તેમણે જે સ્થળને પોતાના વતન તરીકે અપનાવ્યું ત્યાં તેનું નવસર્જન કર્યું છે.
આ તસવીરો આધુનિક સ્થાપત્યનો પરંપરાગત સ્થાપત્ય સાથે કેવી રીતે સમન્વય કરી શકાય તેનો તથા બંનેનું સહઅસ્તિત્વ કેવી રીતે શક્ય બન્યું છે તેની પ્રેક્ટિકલ શીખ આપે છે. સૌને રસ પડે તેવું આ પ્રદર્શન સ્થાપત્ય અને ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છનાર સમુદાયે જોવાનું ચૂકવા જેવું નથી.
આ પ્રદર્શન 14 ફેબ્રુઆરી સુધી સાંજના 4થી 8 કલાક સુધી અમદાવાદની ગુફાની આર્ટ ગેલેરીમાં જોઈ શકાશે અને એ તમામ લોકો માટે ખુલ્લું છે.