અમદાવાદ- આજે બુધવારથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિની ભક્તિ કરવાના નવ દિવસ ખીબ જ શુભ મનાય છે. તેમાંય આ નવરાત્રિનું ગુજરાતમાં સવિશેષ મહત્વ છે. નવ દિવસ સુધી ખૈલયાઓ રંગબેરંગી પોષાક પહેરીને મા જગદંબાના ગરબે રમશે. જો કે શેરી ગરબાનું સ્થાન પાર્ટીપ્લોટ અને કલબના ગરબાએ લીધું છે, ત્યારે આ વખતે ગુજરાતમાં ફરીથી શેરીગરબા ધૂમ મચાવશે. તેમજ આજે બુધવારે નવરાત્રિના પ્રથમ દિવસે સૌ માઈ ભક્તો કળશની સ્થાપના કરીને જવારા વાવશે. અને શક્તિની આરાધનાની શરૂઆત કરશે. કેટલાક માઈ ભક્તો નિર્જળા(ઉપવાસ) કરીને પણ નવરાત્રિ કરે છે.
આજથી શરૂ થતી નવરાત્રિ નવ દિવસને બદલે આઠ દિવસની છે. વચ્ચે આસો સુદ બીજ એ ભાગીતિથી છે, માટે એકમ અને બીજનું નોરતું ભેગું છે. 10 ઓકટોબરને બુધવારે વહેલી સવારે 6.22થી 7.25 સુધી કળશ સ્થાપનાનું મુહૂર્ત છે. માટે માઈ ભક્તોએ આ શ્રેષ્ઠ મુહૂર્તમાં જ કળશ પૂજા કરી લેવી ઉત્તમ રહેશે.
કોઈ કારણસર આ સવારે કળશ સ્થાપના ન કરી શક્યા તો 11.36થી 12.24 સુધીમાં અભિજીત મુહૂર્ત છે, જેમાં પણ કળશ સ્થાપના કરી શકાય.
તેમ જ ગરબો લાવવાનું મુહૂર્ત પણ પ્રાતઃ સમય 6.36થી 9.25 સુધીનો સમય શ્રેષ્ઠ છે, ત્યાર પછી 11 વાગ્યાથી 12.30 સુધીનો સમય પણ શુભ છે. અને સાંજે 5 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી લાભ ચોઘડિયું છે.