ગાંધીનગર- ભાજપના ‘‘સંગઠન પર્વ-૨૦૧૯’’ના સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશ અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. રવિવારે તેઓ સૂરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં.
શિવરાજસિંહ ચૌહાણે તેમના ગુજરાત આગમનની સાથે જ સૌ પ્રથમ સૂરત ખાતે આવેલ પાંડેસરાની સેવાવસ્તીમાં જઇ એક સામાન્ય પરિવાર કે જેમનો દીકરો રીક્ષાચાલક છે તેવા માધુરીબહેન તિવારીના ઘરે જઇ ચાપાણી કર્યા હતાં. આ સામાન્ય પરિવારને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યાં હતાં.
આ ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણે ‘‘પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો’’ માટે ચાલી રહેલા વૃક્ષારોપણ ઝૂંબેશ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.
અહીં એક કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા શિવરાજસિંહે જણાવ્યું કે, આજે નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની જોડી રાષ્ટ્રીય સ્તરે દેશને નેતૃત્વ પુરુ પાડી સુરક્ષિત ભારત, વિકસિત ભારત, સશક્ત ભારત બનાવવા માટે સતત કાર્યરત છે. ભાજપાના સંગઠન પર્વ – સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશ જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ ઉજવાઇ રહ્યુ છે ત્યારે નરેન્દ્રભાઇ મોદીજીની ‘રાષ્ટ્રપ્રથમ’ની સાથે સાથે વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે સૌ કોઈ ભાજપા સાથે જોડાઈ રહ્યા છે.
જ્યારે બીજી તરફ કૉંગ્રેસના ડૂબતા વહાણમાંથી કૅપ્ટન સૌ પ્રથમ કુદી પડ્યા છે. કૉંગ્રેસની દેશ વિરોધી નીતિને કારણે દેશની જનતા આજે કૉંગ્રેસને જાકારો આપી રહી છે. કોંગ્રેસ તેના પાપે ડૂબી રહી છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપા સાથે જોડાવું એટલે રાષ્ટ્ર સાથે જોડાવું. ભાજપામાં કાર્યકર્તા પદ માટે નહીં પરંતુ રાષ્ટ્રહિતને મુખ્ય લક્ષ્યમાં રાખી અવિરત પણે સેવાકાર્ય કરતો રહે છે. ભાજપા માટે સત્તા એ જન સેવાનું માધ્યમ છે. ભાજપાનો અંતિમ લક્ષ્ય સત્તા નહીં પરંતુ સેવા છે. ભારતીય જનતા પાર્ટીના આ વિચાર સાથે જોડાવવા બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.