અમદાવાદઃ જો નહિવત વરસાદે શહેરની આ હાલત હોય તો મૂશળધારે શું થાય..?

અમદાવાદ- ચોમાસું આવે ને થોડોક જ વરસાદ પડતાંની સાથે જ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ઠેરઠેર ભૂવા પડવાના, ઝાડ પડવાના અને અંડર બ્રિજ બંધ થઇ જવાના સમાચાર વહેતાં થાય. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ નબળી જોવા મળે છે. એવું આ ચોમાસેય આ સતત જોવા અને સાંભળવાં મળ્યું. ચૂંટણીનું કારણ ધરીને અથવા અન્ય કારણસર અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસા ઋતુમાં જ માર્ગો પર કામો શરુ કરી દેવામાં આવ્યાં છે. જે વિસ્તારોમાં રસ્તા, ગટર, પાણી કે અન્ય પ્રકારના કામો શરુ કરવામાં આવ્યાં છે એ માર્ગો કાદવકીચડથી ખદબદી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રુપિયાના ખર્ચ કર્યા પછી  આશ્રમ રોડ, ઇન્કમટેક્સ નજીક બનેલા ઓવર બ્રિજના એક છેડાનો માર્ગ તૂટીને ખાડા પડવાની શરુઆત થઇ ચૂકી છે.

શહેરના વાડજના માર્ગ પર જ ભૂવો પડ્યો છે, જ્યાં ભયનું પાટિયું છે.

ઉસ્માનપુરા પાસેના આશ્રમ રોડ પર ચોમાસા ટાણે જ ગટરો માટેનું ખોદકામ થઇ રહ્યું છે.

જ્યારે આંબાવાડી વિસ્તારમાં અંદરના કેટલાક માર્ગો તૂટી ગયાં છે.

માર્ગો પર વરસાદી પાણીનો યોગ્ય  નિકાલ ન થતા લો-ગાર્ડન-જીમખાના વિસ્તારના બસ સ્ટેન્ડ પર લોકોને માર્ગો પર ઉભા રહેવું  પડે છે.

ચોમાસામાં જ ઉસ્માનપૂરા ખાતે ગટરનું ખોદકામ….

આ તો વાત થઇ પોશ અને સતત ધંધારોજગારથી ધમધમતાં અમદાવાદની શાન સમા વિસ્તારોની…જો આ વિસ્તારોના માર્ગોની આ દુર્દશા હોય તો શહેરના નવા વિકસેલા પૂર્વ અને પશ્ચિમના અંતરિયાળ વિસ્તારોની શું દશા હશે એ સમજી શકાય છે…..!!. ચોમાસાના નહિંવત વરસાદે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના માર્ગોની આ હાલત હોય તો ધોધમાર, મૂશળધાર વરસાદે શું થાય..??

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ