અમદાવાદઃ વિશ્વમાં એશિયાઇ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય તથા બૃહ્દ ગીર વિસ્તારમાં દલખાણીયા રેન્જમાં સપ્ટેમ્બર 12, 2018થી અત્યાર સુધીમાં થયેલાં 23 સિંહોના મોતને ધ્યાનમાં લેતાં વન્યજીવ પ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારને ગીરમાં એશિયાઇ સિંહોને વિશ્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવાર પૂરી પાડવા માટે આફ્રિકા, યુ.એસ. અને યુરોપમાંથી વિદેશી પશુચિકિત્સા નિષ્ણાતોની ટીમ બોલાવવા માટે વિનંતી કરી છે.નથવાણીએ જણાવ્યું હતું કે ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યની બહાર સુધી ફેલાયેલા સિંહોની સંભાળ લેવા માટે કર્મચારીઓની સંખ્યા અપૂરતી છે. લગભગ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારની બહાર છે અને દરેક ગાર્ડે 15-20 ગામડાં ફરવા પડે છે. તેમણે ઉમેર્યું હતું કે ગીર અને બૃહ્દ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતાં લગભગ 30 ટકા જેટલા સિંહ સુરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરે છે અને સરકારે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. “આ સિંહો પર ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય રહેલો છે,
તેમણે યાદ કરાવ્યું હતું કે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સી.ડી.વી.) અને પ્રોટોઝોન ચેપને કારણે સન્ 1994માં તાંઝાનિયાના સેરેનગેટી રીઝર્વમાં લગભગ 1,000 સિંહોનાં મોત નિપજ્યાં હતા. “આફ્રિકા, યુ.એસ. અને યુરોપના નિષ્ણાત પશુચિકિત્સકો આ રોગચાળાને કારણે થતાં સિંહોના મૃત્યુને રોકવાનો અનુભવ ધરાવે છે, તેથી ભારત સરકાર અનેગુજરાત સરકારે તેમનો સંપર્ક કરીને તેમને ગીરમાં લઇ આવવા જોઇએ. આ નિષ્ણાતો સિંહોની આરોગ્ય ચકાસણીમાં અને રોગના ફેલાવાને રોકવામાં મદદ કરશે,” એમ નથવાણીએ જણાવ્યું હતું.
સિંહોની સંખ્યાના પ્રમાણમાં તેમની સરવાર માટેની સુવિધા અપૂરતી છે. પશુ ચિકિત્સકોની સંખ્યા પણ એક કે બે જ છે. ખરેખ તો સિંહો માટે ખાસઇન્સેટિવ કેર એમ્બ્યુલન્સ પ્રકારની સુવિધા હોવી જોઇએ જેથી બીમાર કે ઘાયલ સિંહને ચિકિત્સા માટે લાવતાં લાવતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરી શકાય.સરકાર પાસે જંગલમાં રખડતાં કૂતરાંઓના ત્રાસને રોકવા માટે પણ કોઇ યોજના નથી. સી.ડી.વી.નો ચેપ કૂતરાંઓને પણ લાગે છે અને તેમના દ્વારા પણ આ રોગ ફેલાય છે. જો સરકાર નીલગાયને મારવા અંગે વિચારણા કરી શકતી હોય તો કૂતરાંઓના ત્રાસને દૂર માટે પણ વિચારણા કરવી જોઇએ..ગીરમાં પ્રવાસનને ઉત્તેજન આપવું તે સારી વાત છે પણ વન વિભાગે દેશમાં ટાઇગર રીઝર્વ્સમાંથી શીખ મેળવવી જોઇએ જ્યાં દરેક રીઝર્વમાં ટૂરીઝમ કેપેસીટી ફોર્મ્યુલાના ઉપયોગથી વન્યજીવોને થતા માનવ હસ્તક્ષેપને નિયંત્રિત કરવામાં આવે છે.
માત્ર ગુજરાત અને ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ગર્વ સમાન એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત અને ભારત સરકાર વધારે ધ્યાન આપે તે માટેનોસમય પાકી ગયો છે, એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું. સિંહોના લાંબાગાળાનાં સંવર્ધનના ભાગરૂપે, ઇકો-સેન્સિટીવ ઝોનનો વિસ્તાર વધારવો જોઇએ. પર્યાવરણ, વન અનેજળ-વાયુ પરિવર્તન વિભાગના સૂચન અનુસાર ઇકો-સેન્સિટીવ ઝોન સુરક્ષિત વિસ્તારથી 10 કિલોમીટર સુધીનો હોઇ શકે છે, પરંતુ ગુજરાતમાં આ વિસ્તાર સુરક્ષિતવિસ્તારની સરહદથી માત્ર 100-500 મીટર જેટલો જ છે, ગીર જંગલ આસપાસના રેવન્યુ ક્ષેત્રમાંથી થોડા સિંહોને જામનગર-પોરબંદરની પાસેના બરડા ડુંગરનાં જંગલ તથા વાંકાનેર પાસે રામપરા-વીરડીના જંગલમાં ખસેડવા જોઇએ કારણ કે આ જંગલ વિસ્તારોનું વાતાવરણ ગીરને મળતું આવે છે અને સિંહોને અનુકૂળ પણ છે.
રાજ્ય સભા સાંસદ નથવાણી ‘પ્રોજેક્ટ ટાઇગર’ અને ‘પ્રોજેક્ટ એલિફન્ટ’ અનુસાર ‘પ્રોજેક્ટ લાયન’ શરૂ કરવાની અને ગીરમાં સિંહોના સંવર્ધનમાટેના લાંબાગાળાના પ્રયાસ તરીકે માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે વધારે નાણાં ફાળવવાની હિમાયત પણ કરી છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તનપ્રધાન ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને વનપ્રધાન ગણપતસિંહ વસાવાને પત્રો પણ લખ્યા છે.