મધ્ય પ્રદેશમાં બસ-અકસ્માતમાં રાજકોટના 25 દર્શનાર્થીઓ ઘાયલ

ઉજ્જૈન/રાજકોટઃ ગુજરાતના રાજકોટ તરફ જતી એક ખાનગી બસ ગઈ કાલે મોડી રાતે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક પૂલ પરથી નીચે ગબડી પડીને પલટી ખાઈ જતાં ઓછામાં ઓછાં 25 જણને ઈજા થઈ છે. એમાંના બે જણની હાલત ગંભીર છે. ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમે કહ્યું કે ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓ ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં દર્શન કરીને રાજકોટ પાછાં જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો.

બસમાં 35 જણ હતા. ડ્રાઈવર બસને બેફામ સ્પીડમાં ચલાવતો હતો. ભૂકી માતા બાયપાસ સ્થળે બસ રસ્તા પરથી સરકીને પૂલ પરથી 8-ફૂટ નીચે પડી ગઈ હતી. બસ પલટી ખાઈ ગયા બાદ એનાં આગળના ભાગના પૈડાં અને એન્જિન બસથી અલગ થઈ ગયા હતા. તે સ્થળ અકસ્માતો માટે અત્યંત જોખમી ગણાય છે. બસનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે એની સામે કેસ નોંધ્યો છે.