અમદાવાદમાં 15 દિવસમાં ચાર હજારથી વધુ વાયરલ ઈન્ફેક્શનના કેસ નોંધાયા

રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત પાછલા કેટલાક દિવસથી તડકો હોવાથી મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માઝા મૂકી છે. સરકારી આકડા પ્રમાણે બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુ મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે.

ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં મચ્છરજન્ય રોગ, વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં મોટો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ચિકનગુનિયાના કેસ પણ સમગ્ર વર્ષની સરખામણીમાં ગત 15 દિવસમાં વધ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 4,171 કેસ નોંધાયા હતા. જેમાંથી ગત 2 સપ્તાહ દરમિયાન દર એક સપ્તાહમાં 2000થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના કેસ ઓપીડી ખાતે નોંધાયા હતા. તદુપરાંત ઝાડા-ઊલટીના 42, ટાઈફોઇડના 11 અને કમળાના 24 દર્દીઓએ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એટલે કે હાલમાં પાણીજન્ય રોગ કરતા મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો છે. ​​​​​​

ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનાં લક્ષણો સાથે 78 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાંથી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેન્ગ્યુના 1,337 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં જેમાંથી 268 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મલેરિયાનાં 1,822 સેમ્પલમાંથી 62 તથા ચિકનગુનિયાના 124 સેમ્પલમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 247 કેસ નોંધાયા હતા ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 17 તારીખ સુધીમાં જ 190 કેસ નોંધાયા છે એટલે કે ડેન્ગ્યુના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. જ્યારે મલેરિયા અને ઝેરી મલેરિયાના ઓગસ્ટમાં 121 કેસ નોંધાયા હતા. જ્યારે 17 સપ્ટેમ્બર સુધીમાં 62 કેસ નોંધાયા છે. ગત મહિને વાઇરલ ઇન્ફેક્શનના 962 કેસ નોંધાયા હતા. જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 350 કેસ નોંધાયા છે એટલે કે કેસમાં ઘટાડો નોંધાયો છે. ચિકનગુનિયાના ઓગસ્ટમાં 40 કેસ નોંધાયા હતા જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 17 કેસ નોંધાયા છે. કમળાના ઓગસ્ટમાં 245 કેસ હતા જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 121 કેસ નોંધાયા છે.