અમદાવાદ: રાજ્યમાં લગભગ ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. પાછલા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની ઓછી હાજરી પુરાય રહી છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 28 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ સહિત અમદવાદા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 28 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.