Monsoon Update: રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, 114 તાલુકામાં મેઘ મહેર

ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ચુકી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11.81 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદે દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં વરાસદી પાણી ભરાયા છે. તો બીજી બાજુ ભરૂચના વાલિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. નર્મદાના સાગબારામાં 3 ઈંચ અને નવસારીના ખેરગામમાં 2.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. જે પ્રમાણે આજે એટલે કે 11મી સપ્ટેમ્બરના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાત પર વારસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઑફ શોર ટ્રેક, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન બન્યું છે તે હાલમાં ઉત્તર છત્તીસગઢના આસપાસ સક્રિય છે, જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાત ઉપર વરસાદની અસર રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના છે.