અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ગત રાત્રે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદ પડશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ૩ ઇંચ રસાદ વરસ્યો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને કુલ ૯ જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સામાન્ય અમી છાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પોણા બે ઇંચથી વધુ એટલે કે ૪૩ મી.મી., ગાંધીનગર તાલુકામાં એક ઇંચથી વધુ એટલે કે ૨૬ મી.મી. અને માણસા તાલુકામા ૧૪ મી.મી. વરસાદ પડ્યો છે. તે ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ૨૦ મી.મી., બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૪૦ મી.મી., દિયોદર તાલુકામાં ૪૩ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૧૧ મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૯ મી.મી., હિંમતનગર તાલુકામાં ૩૦ મી.મી., પ્રાંતિજ તાલુકામાં ૪૯ મી.મી., તલોદ તાલુકામાં ૫૦ મી.મી. અને વિજયનગર તાલુકામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે.
પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના આઠ જિલ્લાઓ પૈકી આણંદ અને વડોદરા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૧૧ મી.મી., દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં અડધો ઇંચ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૧૬ મી.મી., સંખેડા તાલુકામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં ૩૦ મી.મી., સાણંદ તાલુકામાં ૧૦ મી.મી. અને અમદાવાદ સીટી વિસ્તારમાં ૨૫ મી.મી. વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
કઠલાલમાં ૭૫ મી.મી., કપડવંજમા ૫૨ મી.મી., મહેમદાવાદમાં ૨૨ મી.મી., મહુધામાં ૧૭ મી.મી. અને નડિયાદ તથા વસૌ તાલુકામાં ૧૨ મી.મી. વરસાદ વરસ્યો છે. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકઓમાં વરસાદ વરસ્યો હતો. હજુ પણ રાજ્યના પાંચ તાલુકાઓ વરસાદ વિહોણા છે.