રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  કચ્છમાં પણ આગામી 7 દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. 

16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે. હાલના સમયમાં  ચોમાસું નબળું પડવાનું શરૂ થયું છે. જો કે આ વખતે વરસાદની મોસમ લાંબી ચાલશે. આ જ કારણ છે કે ચોમાસાનો વરસાદ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ સાથે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં આ વખતે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ બ્રેક સિઝનનો 124.99 ટકા વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32  ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.18 ટકા વરસાદ વરસી ચૂક્યો છે..જ્યારે મધ્ય ગુજરાતમાં 121.03 ટકા તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.66 ટકા વરસાદ વરસ્યો છે.