મોદીએ જંગલ સફારી પાર્ક, એકતા ક્રૂઝનું ઉદઘાટન કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારી પાર્ક અને એકતા ક્રૂઝનું લોકાર્પણ કર્યું હતું. PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા ક્રૂઝમાં સવારી કરી હતી. આ ઉપરાંત મોદીએ માખણ વલોવ્યું હતું. વડા પ્રધાન મોદીએ બપોરનું ભોજન લીધા બાદ થોડો સમય આરામ કર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે જોડાયા હતા.

જંગલ સફારી પાર્કનું ઉદઘાટન

વડા પ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કનું ઉદઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદી સફારીના અલગ-અલગ ભાગોનું ભ્રમણ કર્યું હતું. તેમણે જંગલ સફારીમાં પશુઓ અને માણસો માટે કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યાં હતાં. તેમણે તકતીનું અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું.

જંગલ સફારી પાર્ક અને ફેરી બોટ (ક્રૂઝ)

વડા પ્રધાન મોદીએ પક્ષીઓને પોતાના હાથ ઉપર પણ બેસાડ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારનો સફારી પાર્ક એવી રીતે બનાવવામાં આવ્યો છે. તે પ્રાણી સંગ્રહાલયમાં નહીં, પરંતુ સફારી પાર્કમાં જોઈ રહ્યા હોય તેવો અનુભવ થાય. જેથી અહીં દરેક પશુ તથા પ્રાણી પણ ખૂબ જ મોકળાશથી ફરી શકે અને માનવો પણ ફરી શકે. અહીં દરેકે-દરેક પશુની હેબિટ્સનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે. 375 એક્ટરમાં ફેલાયેલા જંગલ સફરીમાં 1500 દેશી અને વિદેશી પ્રાણી છે. વ્યક્તિદીઠ રૂા. 200ની ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ પ્રોજેક્ટ 100 ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસીદીઠ ક્રૂઝનું ભાડું રૂા. 430 રાખ્યું છે.

ગ્લો ગાર્ડન અને ભારત ભવન
ગ્લો ગાર્ડન 100 ટકા પૂર્ણ છે, કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડનની લાઇટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઇટિંગ કરાયું છે. ટિકિટનો ચાર્જ 200 રૂા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં થ્રી સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. 52 એસી લક્ઝુરિયસ રૂમો, સ્વિમિંગ પૂલ સહિત મોટું ગાર્ડન છે. એનું રૂા. 6,000 ભાડું છે.