શું કચ્છના 116 દલિત ખેડૂતોની હત્યા થઈ શકે છે? દહેશત વ્યક્ત કરતાં જિગ્નેશ મેવાણી

ગાંધીનગર: વડગામના MLA દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કચ્છના કેટલાક દલિત ખેડૂતોની હત્યા થવાની દહેશત વ્યકત કરી હતા. તેમણે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં આમ જણાવ્યું હતું. મેવાણીએ કચ્છના દલિત સમાજના 116 લોકોની યાદી જાહેર કરી છે. મેવાણીએ આ યાદી જાહેર કરતાં આ લોકોની હત્યા થવાની દહેશત વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે દલિતોની રક્ષા ન કરી શકતી સરકારે ડૂબી મરવું જોઇએ. પત્રકાર પરિષદ બાદ જિગ્નેશ મેવાણી આ યાદી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મહેસૂલ વિભાગ અને ગૃહવિભાગને સોંપશે.

મેવાણીએ જણાવ્યું હતું કે, “બોટાદમાં પૂર્વસરપંચની હત્યા કરવામાં આવી છે. તેમના પર પહેલાં હુમલા થયાં હતાં પરંતુ તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. કચ્છના રાપરમાં છેલ્લાં 35 વર્ષથી માથાભારે તત્વોએ દલિતોની જમીન પચાવી પાડી છે. આ મામલે કચ્છના એસપીનું વલણ સહકારભર્યું છે પરંતુ રેવન્યૂ વિભાગની ઉદાસીને કારણે કોઈ નિરાકરણ આવતું નથી.”

કર્ણાટકમાં દલિતો પર થયેલા અત્યાચાર પર વાત કરતા મેવાણીએ કહ્યું કે, કોંગ્રેસ કે પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, જો તેઓ દલિતોની રક્ષા નથી કરી શકતી તો તેમણે ડૂબી મરવું જોઈએ. મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું એટલા માટે અગાઉથી સરકારને જાણ કરીને રક્ષણની માગણી કરું છું. કચ્છમાં મામલતદારની હાજરીમાં માથાભારે શખ્સોએ 116 દલિતોને ધમકી આપી છે.