અમદાવાદ- અમદાવાદના સોલામાં થયેલ લઠ્ઠાકાંડ મામલામાં એફએસએલ દ્વારા પોલીસને પ્રાથમિક રીપોર્ટ સોંપ્યો છે.જેમાં બેના રીપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલ આવ્યો છે. આ ચારમાંથી એકની હાલત ગંભીર છે. આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ અસારવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં અને દેશી દારૂ પીનારાં 4 લોકોને મળીને તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં.બુધવારે રાત્રે સોલા ગામમાં દેશી કથિત લઠ્ઠાકાંડની ઘટના બની છે. દેશી દારૂ પીધા પછી ચાર વ્યક્તિઓની હાલત કથળી હતી. તેઓને પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, તેમની હાલત વધુ ગંભીર ગણાતા અસારવા મોટી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દેશી દારૂ પીનારા 4 લોકોના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યાં હતાં. એફએસએલે તપાસનો પ્રાથમિક રીપોર્ટ પોલીસને આપ્યો છે.
હાલમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 4 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. દેશી દારૂ પીનાર 4 દર્દી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. એફએસએલના રીપોર્ટ પછી સાચી હકીકત બહાર આવશે.