રથયાત્રા એટલે મનુષ્યના આંગણે ઈશ્વરની પધરામણીનો ઉત્સવ

અમદાવાદઃ જગન્નાથપુરીની રથયાત્રા બાદ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની રથયાત્રા આગવું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. લાખો અમદાવાદીઓ આ ઉત્સવમાં ભાવથી જોડાય છે. દિવસો અગાઉથી રથયાત્રાની વિવિધ તૈયારીઓમાં મંદિર વ્યવસ્થાપન મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વર્ષે 14મી જુલાઈએ રથયાત્રાનો અવસર આંગણે આવી ગયો છે ત્યારે chitralekha.com સાથે અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી-વ્યવસ્થાપક મહેન્દ્રભાઈ ઝાએ આ અંગે વિશેષ ચર્ચા કરી હતી.

રથયાત્રાના પર્વને લઈને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈએ chitralekha.com સાથે વાત કરતા જણાવ્યું કે રથયાત્રાનો પર્વ એક અદભૂત પર્વ છે આ પર્વમાં લોકોમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય છે. રથયાત્રા અમદાવાદમાં એક લોકોત્સવ તરીકે ઉજવાય છે અને તેમાં ભાઈચારો અને કોમી એખલાસનું એક અનોખુ ઉદાહરણ જોવા મળે છે. તેમણે જણાવ્યું કે ભજન મંડળીઓ, પ્રસાદ, 101 જેટલા ટ્રકોમાં નિકળનારી ઝાંખીઓ આ તમામને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસ તંત્ર દ્વારા ચોક્કસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને સાથે જ મંદિર પરિસરમાં પણ અલગ અલગ સ્થળો પર કેમેરાના માધ્યમથી બાજ નજર રાખવામાં આવે છે. તો સાથે જ મંદિર તરફથી પણ પ્રાઈવેટ સીક્યુરીટી રાખવામાં આવે છે આટલી મોટી સંખ્યામાં જ્યારે માનવ મહેરાણ ઉમટી પડે છે ત્યારે સુરક્ષાના ચોક્કસ બંદોબસ્ત કરવામાં આવે છે. પ્રસાદની જો વાત કરવામાં આવે તો ઋષીપરંપરામાં ઋષીઓએ સુચવેલા આરોગ્યવર્ધક પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પ્રસાદમાં ફણગાવેલા મગ, દાડમ, જાંબુ, કેરી, ખીચડી આ પ્રકારના સ્વાસ્થ્ય વર્ધક પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદની તૈયારી રથયાત્રાના એક મહિના પહેલાથી શરૂ કરી દેવામાં આવે છે. તો સાથે જ ઉપરણાની વાત કરવામાં આવે તો ભગવાનની આંખ પર જે પાટા બાંધેલા હોય છે તે પાટા નેત્રોત્સવ વીધી સમયે ખોલવામાં આવે છે અને તે જ ઉપરણા ભક્તોને ભગવાનના પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે.